Get The App

જાણો, ભારતમાં છેલ્લા 55 વર્ષમાં 130 જેટલા સાયકલોન આવ્યા છે, બિપોર જોય ગંભીર પ્રકારનું ચક્રવાત

2018ના વર્ષમાં સૌથી વધુ નાના મોટા 7 સાત સાયકલોન ત્રાટકયા હતા.

ઓછું દબાણ ધરાવતા ચક્રવાતન્ના મ નહી પરંતુ નંબર આપવામાં આવે છે

Updated: Jun 12th, 2023

GS TEAM


Google News
Google News
જાણો, ભારતમાં છેલ્લા 55 વર્ષમાં 130 જેટલા સાયકલોન આવ્યા છે, બિપોર જોય ગંભીર પ્રકારનું ચક્રવાત 1 - image


નવી દિલ્હી, 12 જૂન,2023,સોમવાર 

ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપોર જોય વાવાઝોડાનો સામનો કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  બિપોર જોય પણ એક ગંભીર પ્રકારનું સાયકલોન છે જેની અસર દરિયાકાંઠા પર વિશેષ થાય તેવી શકયતા છે. હાલમાં વિવિધ દરિયાકાંઠા વિસ્તારથી 300 થી 400 કિમી જેટલું દૂર છે. 

ભારતમાં  1967થી અત્યાર સુધી  130 સાયકલોન આવ્યા છે.  જેમાં 2018ના વર્ષમાં સૌથી વધુ નાના મોટા 7 સાત સાયકલોન ત્રાટકયા હતા. 6 ઓકટોબર 2018 ના રોજ તિતલી નામનું વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાની અસરથી ઓડિશામાં 77 અને આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા હતા. બંને રાજયમાં અંદાજે  7 હજાર કરોડનું નુકસાન થયું હતું.

ત્યાર પછી 10 નવેમ્બરના રોજ ગાજા નામનું સાયકલોન આવ્યું જે ૫૨ લોકોને ભરખી ગયું હતું. 13 ડિસેમ્બરના રોજ ચક્રવાતી તોફાન ફેથાઇ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં કાળો કેર વરતાવતા 8 ના મોત અને 300 કરોડનું નુકસાન થયું હતું. 2019માં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતમાં દહેશત ફેલાવી હતી. કોરોનાકાળમાં તોકતે વાવાઝોડું દરિયા કાંઠે લેન્ડ ફોલ થયા પછી નબળુ પડતા ઓછું નુકસાન થયું હતું.

જાણો, ભારતમાં છેલ્લા 55 વર્ષમાં 130 જેટલા સાયકલોન આવ્યા છે, બિપોર જોય ગંભીર પ્રકારનું ચક્રવાત 2 - image

વિશ્વમાં હિંદમહાસાગરમાં સૌથી ઓછા 7 ટકા વાવાઝોડા આવે છે 

 કેટલાક ઓછું દબાણ ધરાવતા ચક્રવાતી તોફાન હોય છે જેને નામ નહી પરંતુ નંબર આપવામાં આવે છે. 26 જુલાઇ 2018ના રોજ બીઓબી 03 નામના ચક્રવાતથી તોફાનથી ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદ પડયો હતો. સૌથી વધુ 226 મીમી વરસાદ મેરઠમાં નોંધાયો હતો જયારે ચક્રવાતની અસરથી 69 લોકોના મોત થયા હતા. ત્યાર પછી ઓગસ્ટ માસમાં બીઓબી 05 અને સપ્ટેમ્બરમાં બીઓબી 6  નામનું ચક્રવાત સર્જાયું હતું. વિશ્વમાં જેટલા પણ ચક્રવાતી તોફાનો આવે છે જેમાં હિંદ મહાસાગરમાં માત્ર 7  ટકા જેટલા હોય છે.

જાણો, ભારતમાં છેલ્લા 55 વર્ષમાં 130 જેટલા સાયકલોન આવ્યા છે, બિપોર જોય ગંભીર પ્રકારનું ચક્રવાત 3 - image

હિંદ મહાસાગર પર આવતા વાવાઝોડાની સૌથી વધુ અસર ભારતના પશ્ચીમ બંગાળ રાજય અને પાડોશી બાંગ્લાદેશને થાય છે. ચક્રવાતને દરિયામાં ઉછળતા મોજા વધારે ખતરનાક બનાવે છે. જો કે ભારતનો પશ્ચીમ કાંઠો વાવાઝોડા ઉદ્ભવવાની બાબતે પ્રમાણમાં શાંત છે. એક માહિતી મુજબ ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં બને છે અથવા તો ઉત્તર પશ્ચીમ પ્રશાંત સાગરમાં ઉદભવતા ચક્વાતનો અંશ હોય છે.

જે ક્રમશ હિંદ મહાસાગર તરફ આગળ વધે છે. ઉત્તર પશ્ચીમ પ્રશાંતસાગરમાંથી આવતા ચક્રવાત ભારે હોય છે તેની અસર હેઠળ બંગાળની ખાડીને પણ થાય છે.  અરબસાગર પરના ચક્રવાત દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાંથી બને છે અથવા તો તે બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાતોનો જ એક ભાગ હોય છે. 

વાવાઝોડાથી દરિયામાં ઉંચા મોજા ઉછળવા કેમ ખતરનાક હોય છે ?

જાણો, ભારતમાં છેલ્લા 55 વર્ષમાં 130 જેટલા સાયકલોન આવ્યા છે, બિપોર જોય ગંભીર પ્રકારનું ચક્રવાત 4 - image

 હવામાનશાસ્ત્રીઓની જાણકારી મુજબ બંગાળની ખાડી પર આવતા ચક્રવાતી તોફાનો જમીન સાથે ટકરાઇને નબળા પડી જાય છે આથી તે અરબસાગર સુધી ભાગ્યે જ પહોંચે છે. આથી જ તો ભારતને લાગે વળગે છે ત્યાં સુધી બંગાળની ખાડી કરતા અરબસાગર વાવાઝોડાની દ્રષ્ટ્રીએ વધારે શાંત છે. વાવાઝોડાના કારણે ત્રણ પરીણામો આવી શકે છે. ભારે વરસાદ થવો, અતિ ઝડપે પવન ફૂંકાવો અને દરિયામાં ઉંચા મોજા ઉછળવા. આ ત્રણેયમાં સૌથી ખતરનાક દરિયામાં ઉઠતા ઉંચા મોજા છે.

મોજા ઉછળવાથી કાંઠા વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી જવાથી જાન અને માલની ભારે તારાજી સર્જાય છે. જો કે એવું માનવામાં આવે છે કે ભારતના પશ્ચીમી તટ પર  વાવાઝોડાના લીધે દરિયાના મોજા અસામાન્ય રીતે ઉછળવાની શકયતા ઓછી રહે છે. ગુજરાત પણ ભારતના પશ્ચીમ કાંઠા પર આવેલું રાજય છે. દેશના પૂર્વ કાંઠા વિસ્તાર તરફ તામિલનાડુ, ઓડિશા,આંધ્રપ્રદેશ અને પશ્ચીમ બંગાળ તરફ આગળ વધીએ તેમ મોજા ઉછળવાનો ભય વધારે રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અરબ સાગરમાં પણ ચક્રવાતની સંખ્યા અને તિવ્રતા વધી રહી છે. 

છેલ્લા  15 વર્ષ દરમિયાન  આવેલા કેટલાક શકિતશાળી વાવાઝોડા 

નામ - વર્ષ -        વિસ્તાર

નિશા  2008   તામિલનાડુનો કાંઠા વિસ્તાર

થાણે     2011   તામિલનાડુ અને પોંડિચેરી 

નિલમ   2012   તામિલનાડું કાંઠા વિસ્તાર

મહાસેન     2013   તામિલનાડુ અને કેરલ 

ફેલીન    2013      ઓડિશા અને આંધ્રપ્રદેશ 

હુડહુડ    2014    ઓડિશા અને આંધ્રપ્રદેશ 

તિતલી  2018    ઓડિશા અને આંધ્રપ્રદેશ 

ગાજા    2018     તામિલનાડુ કાંઠા વિસ્તાર

ફૉની    2019    ઓડિશા કાંઠા વિસ્તાર 

વાયુ      2019    અરબી સમુદ્ર -ઓમાન તરફ 

તોકતે     2021     અરબી સમુદ્ર - પશ્ચિમ કાંઠો 


Tags :