'બોટમાં તો લાઈફ જેકેટ જ નહોતા, અચાનક જ ટક્કર..', મુંબઈ બોટ અકસ્માત પીડિતની આપવીતી
Mumbai Boat Accident: મુંબઈમાં નેવીની સ્પીડ બોટ અને પેસેન્જર બોટની ટક્કરમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. નેવીની સ્પીડ બોટ એલિફન્ટા તરફ જઈ રહેલી નીલકંઠ નામની ફેરીને ટક્કર મારી હતી. આ ઘટનામાં 115 લોકોને બચાવી લેવાયા છે જ્યારે બે લાપતા છે અને બે લોકોની હાલત નાજુક છે.
બોટ અકસ્માત પીડિતે આપવીતી જણાવી
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના બુધવારે (18મી ડિસેમ્બર) બપોરે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ અથડામણમાં નેવીની સ્પીડ બોટમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના પણ મૃત્યુ થયા હતા. બચાવ કામગીરી દરમિયાન નેવી અને સ્થાનિક ટીમોએ મળીને મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌતમ ગુપ્તાએ આપવીતી જણાવતા કહ્યું કે, 'હું મારા પરિવાર સાથે એલિફન્ટાની મુલાકાત લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં મારી કાકીનું મૃત્યુ થયું હતું. બોટમાં કોઈની પાસે લાઈફ જેકેટ નહોતું. અકસ્માત બાદ અમે ઘણાં લોકોને પાણીમાંથી બહાર કાઢીને બોટ તરફ ખેંચ્યા હતા. લગભગ 20થી 25 મિનિટ પછી નેવીએ અમને બચાવ્યા હતા.'
રાજસ્થાનના જાલોરના રહેવાસી શ્રવણ કુમારે આ અકસ્માતનો વીડિયો બનાવ્યો છે. શ્રવણે જણાવ્યું હતું કે, 'નેવીની સ્પીડ બોટ સ્ટંટ કરી રહી હતી. આ જોઈને અમને શંકા થઈ એટલે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. થોડીવારમાં આ બોટ અમારી પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી.'
મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પોલીસે આ મામલે નેવી સ્પીડ બોટ ડ્રાઈવર અને અન્ય જવાબદાર લોકો સામે કેસ નોંધ્યો છે અને ભારતીય ન્યાયની કલમ 106(1), 125(a)(b), 282, 324(3)(5) હેઠળ તપાસ શરૂ કરી છે.