મ.પ્રદેશમાં ખાનગી બસ ડમ્પર સાથે ટકરાતા 13નાં મોત, 12 ઘાયલ
- ડમ્પર સાથે અથડાયા પછી બસમાં આગ લાગી હતી
- બસ પાસે પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટ ન હતું : મુખ્યપ્રધાને ગુનાના આરટીઓ અને સીએમઓને સસ્પેન્ડ કર્યા
- મુખ્યપ્રધાન મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી
ગુના : મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં એક ખાનગી બસ ડમ્પર ટ્રક સાથે અથડાતા ૧૩ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે બસ પાસે પરમિટ તથા ફિટનેસ સર્ટિફિકેટ ન હતું. બસના માલિકે થોડાક સમય પહેલા રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવાની અરજી કરી હતી.આ ઘટના અંગે કડક કાર્યવાહી કરતા મુખ્યપ્રધાન મોહન યાદવે બેદરકારી દાખવવા બદલ ટ્રાન્સપોર્ટ અધિકારી અને ગુનાના ચીફ મેડિકલ ઓફિસરને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બસ ગુના-આરોન રોડ પર ડમ્પર સાથે ટકરાયા પછી પલટી જતાં તેમાં આગ લાગી ગઇ હતી. ડમ્પર ડ્રાઇવરનો પણ મૃતદેહ મળી આવતા મૃતકોની સંખ્યા વધીને ૧૩ થઇ છે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દિનેશ સાનવ્લેએ પત્રકારોને જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર એક ડઝનથી વધારે યાત્રીઓ ઘાયલ થયા છે. બસ આરોન જઇ રહી છે જ્યારે ડમ્પર ગુના જઇ રહ્યું હતું. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વિજય ખત્રીના જણાવ્યા અનુસાર બસમાં ૩૦ યાત્રીઓ સવાર હતાં જેમાંથી ચાર યાત્રી સલામત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યાં હતાં. મુખ્યપ્રધાન મોહન યાદવે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
ગુનાની હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા પછી મુખ્યપ્રધાને બેદરકારી દાખવવા બદલ ગુનાના રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર રવિ બરેલિયા અને ચીફ મેડિકલ ઓફિસર વી ડી કાતરોલિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
મુખ્યપ્રધાનના નિર્દેશને પગલે જિલ્લા કલેક્ટરે ઘટનાની તપાસ માટે એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ મુકેશકુમાર શર્માના નેતૃત્ત્વમાં ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિને ત્રણ દિવસની અંદર રિપોર્ટ સુપ્રત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.