હાથરસ દુર્ઘટનામાં 17 સામે ગુનો નોંધાયો અને બાબા ફરાર, જાણો અત્યાર સુધી તંત્રએ શું ઉકાળ્યું
Hathras Stempede: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આયોજિત ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મોત અને 150થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. ઘટનાના 24 કલાક થયા બાદ પણ આરોપી ફરાર છે. તેમજ બાબા નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલેબાબા પણ ગાયબ છે. આ ઉપરાંત મુખ્યસેવક તેમજ પોલીસ એફઆઈઆર પ્રમાણે મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર પણ ફરાર છે.
80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી
આ ઘટના સિકંદરારાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં માનવ મંગલ મિલન સદભાવના સમિતિએ 150 વીઘાના ખુલ્લા મેદાનમાં સત્સંગનું આયોજન કર્યું હતું. પોલીસ એફઆઈઆર મુજબ, કાર્યક્રમમાં 80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી અને ત્રણ ગણી વધુ એટલે કે 2.5 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. વ્યવસ્થા પણ બાબાના સેવકો અને આયોજક સમિતિ સાથે સંકળાયેલા લોકો સંભાળે છે. માત્ર 40 પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હતા.
કોના પર એફઆઈઆર થઈ?
આ ઘટનાના મુખ્ય આરોપી ઓર્ગેનાઈઝર અને સેવાદાર દેવપ્રકાશ મધુકર છે. તે સિકંદરારાઉનો રહેવાસી છે. તેમજ તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 110, 126 (2), 223, 238 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સવાલ એ છે કે આ અકસ્માત માટે જવાબદાર કોણ? 80 હજારની પરવાનગીમાં 2.5 લાખ લોકો કેવી રીતે આવ્યા? શું વહીવટીતંત્રને આ બાબતની જાણ ન હતી?
હાથરસ દુર્ઘટનાના 17 ગુનેગાર કોણ છે?
સત્સંગ કાર્યક્રમની ડ્યુટી શીટ અનુસાર મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર સત્સંગના પ્રભારી હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમ માટે 17 સભ્યોની કોર કમિટી બનાવી હતી. જેમાં દરકને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ દેવ પ્રકાશ મધુકર તેમજ સમિતિના અન્ય બે-ત્રણ સભ્યો પણ ફરાર છે.
પોલીસ માત્ર નાસભાગનું કારણ જાણવાનો પ્રયાસ નથી કરી રહી પરંતુ આ સાથે જ સમિતિમાં જે 17 સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી તેમની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
આ સમિતિમાં પાણીની જવાબદારી અરવિંદ તેમજ ડો. મુકેશને, પંડાલમાં લાઈટની જવાબદારી કુશવાહ જી, વાહન પાર્કિંગ એટા સાઈડની જવાબદારી મેઘ સિંહ, વાહન પાર્કિંગ અલીગઢ સાઈડની જવાબદારી સત્યભાનને, પંડાલ સેવાની જવાબદારી બચ્ચન લાલને, પંડાલ સજાવટની જવાબદારી રામૌતાર, ડોરીલાલને, સાઈકલ તેમજ મોટર સાઈકલ સ્ટેન્ડની જવાબદારી પ્રવેશ કુમારને, રંગોળી સેવા-ઓમ પ્રકાશ, પ્રસાદ પેકેટ સેવા- મુકેશ કુમાર, પ્રસાદ પેકેટ વિતરણ સેવા-વિજયપાલ સિંહ, રસોઈ વ્યવસ્થા-ચંદ્ર દેવ, ગૌરી શંકર, મીડિયા અતિથી વ્યવસ્થા- રામ પ્રકાશ, રોડ સેવા- પપ્પુ ભૈયા, ટ્રેક્ટર સેવા- સંજુ યાદવ, બ્લેક કમાન્ડો સેવા- અંકિત કુમાર, ગોપિકા વ્યવસ્થા- રજની, સ્ટેજ સજાવટની જવાબદારી ચરણસિંહને સોંપવામાં આવી હતી.
દુર્ઘટના કરી રીતે ઘટી?
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બપોરે લગભગ 2 વાગ્યે કાર્યક્રમ બાદ જયારે બાબા બહાર આવ્યા ત્યારે બાબાના ચરણોની ધૂળ લેવા માટે તેમની કારની પાછળ ભાગી રહ્યા હતા. ભક્તોની ભારે ભીડના દબાણને કારણે નીચે નમીને બેઠેલા ભક્તો કચડાઈ જવા લાગ્યા હતા. જેના લીધે હોબાળો થયો અને દુર્ઘટના ઘટી.
કોણ છે બાબા નારાયણ સાકાર હરિ?
બાબાનું સાચું નામ સૂરજપાલ સિંહ છે. તેઓ મૂળ કાંશીરામ નગર (કાસગંજ)ના પટિયાલી ગામના રહેવાસી છે. તેઓ બાળપણમાં તેમના પિતા સાથે ખેતીકામ કરતા હતા. જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેઓ પોલીસમાં જોડાયા. રાજ્યના ડઝનબંધ પોલીસ સ્ટેશનો ઉપરાંત ઈન્ટેલિજન્સ યુનિટમાં તેમને પોસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ 18 વર્ષની સેવા પછી તેમણે VRS લીધું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના ગામમાં એક ઝૂંપડીમાં રહે છે અને લોકોને ભગવાનની ભક્તિનો પાઠ શીખવવા માટે ઉત્તર પ્રદેશ અને નજીકના રાજ્યોમાં ફરે છે.
બાબા નારાયણ સાકાર હરિ ગાયબ છે
ઘટના બાદ બાબા ક્યાં છે તે અંગે પોલીસને કંઈ જ ખબર નથી. પોલીસે મૈનપુરીના રામ કુટિર ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યાં તપાસ ચાલી રહી છે. સેવાદારોનું કહેવું છે કે બાબા ફરાર છે એવા ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. બાબા તો આશ્રમમાં જ છે. મૈનપુરીના ડીએસપી સુનીલ કુમાર સિંહનું કહેવું છે કે, અમને બાબાને પરિસરમાં મળ્યા નથી. તેઓ અહીં નથી.
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો
હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ અરજી મોકલીને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.