રૂ. 28602 કરોડના રોકાણથી 12 નવા ઔદ્યોગિક શહેરોને મંજૂરી
- આર્થિક બાબતોની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
- ઉત્તર પૂર્વના રાજ્યોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણ માટે 4136 કરોડ રૂપિયા ફાળવવાને મંજૂરી : 15000 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે ડોમેસ્ટિક મેન્યુફેકચરિંગને વેગ આપવા માટે આજે ૨૮૬૦૨ કરોડ રૂપિયાના અંદાજિત રોકાણથી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા તથા ગુજરાતના ધોલેરાની જેમ ૧૦ રાજ્યોમાં ૧૨ નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે.
આ ઔદ્યોગિક શહેરોની સ્થાપના ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પતિયાલા, મહારાષ્ટ્રના દિધી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગ્રા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગણાના ઝહીરાબાદ, આંધ્ર પ્રદેશના ઓરવારલ અને કોપ્પારથી, રાજસ્થાનના જોધપુર અને પાલીમાં કરવામાં આવશે.
આ નિર્ણય આર્થિક બાબતો કેબિનેટ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.
બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (એનઆઇસીડીપી) હેઠળ અંદાજિત ૨૮૬૦૨ કરોડના રોકાણ સાથે મંજૂરી આપી છે.
એનઆઇસીડીપીથી રોજગારની મહત્ત્વપૂર્ણ તક ઉત્પન્ન થવાની આશા છે. આ શહેરોની રચનાથી ૧૦ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી અને નિયોજિત ઔદ્યોગિકીકરણના માધ્યમથી ૩૦ લાખ અપ્રત્યક્ષ રોજગારી ઉત્પન્ન થશે. આ પ્રોજેક્ટથી લગભગ ૧.૫૨ લાખ કરોડ રૂપિયાની રોકાણ ક્ષમતા ઉત્પન્ન થશે.
આ પ્રકારના આઠ ઔદ્યોગિક શહેર અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ચાર શહેરો ધોલેરા (ગુજરાત), ઓરિક (મહારાષ્ટ્ર), વિક્રમ ઉદ્યોગપુરી (મધ્ય પ્રદેશ), અને કૃષ્ણપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)માં ઉદ્યોગો માટે જમીન ફાળવણીનું કાર્ય ચાલી રહ્યું છે.
આ ઉપરાંત કર્ણાટકના તુમકુરુ, આંધ્ર પ્રદેશના કૃષ્ણપટ્ટનમ, હરિયાણાના નાંગલ ચૌધરી તથા ઉત્તર પ્રદેશના દાદરી (ગ્રેટર નોઇડા)માં સરકારના સ્પેશિયલ પરપઝ વેહિકલ (એસપીવી) સડક નિર્માણ, પાણી અને વીાજળી પુરવઠા અને ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણની પ્રક્રિયામાં છે.
કેન્દ્રીય કેબિનેટે હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ માટે ઉત્તરપૂર્વના રાજ્યોને ૪૧૩૬ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે. આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટથી આગામી આઠ વર્ષોમાં ૧૫૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે.
કેન્દ્રીય કેબિનેટે એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (એઆઇએફ)ના વિસ્તારને મંજૂરી આપી છે. એક લાખ કરોડ રૂપિયાના એઆઇએફનો દાયરો વધારવાથી દેશમાં કૃષિ સંબધી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ વધારવામાં મદદ મળશે.
આ નિર્ણયથી પ્રોજેક્ટના વિકાસમાં મદદ મળવાની આશા છે. જેનાથી સામુદાયિક કૃષિ ક્ષમતાઓમાં વૃદ્ધિ જોવા મળશે. આનાથી આ ક્ષેત્રની ઉત્પાદકતા અને સ્થિરતામાં સુધારો જોવા મળશે.
૨૦૨૦માં વડાપ્રધાન મોદીએ એઆઇએફ યોજના શરૂ કરી હતી. દેશમાં લગભગ ૫૦૦ લાખ મેટ્રિક ટનની વધારાની સંગ્રહ ક્ષમતાની સાથે ૬૬૨૩ વેરહાઉસ, ૬૮૮ કોલ્ડ સ્ટોર્સ, ૨૧ સાઇલો પ્રોજેક્ટના નિર્માણમાં આ યોજના મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જેમાં ૪૬૫ લાખ મેટ્રિક ટન ડ્રાય સ્ટોરેજ અને ૩૫ લાખ મેટ્રિક ટન કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા સામેલ છે. આ વધારાની સંગ્રહ ક્ષમતાથી વાર્ષિક ૧૮.૬ લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન અને ૩.૪૪ લાખ ટન મેટ્રિક ટન હોર્ટિકલ્ચર ઉત્પાદનોને બચાવી શકાય છે.
અત્યાર સુધીમાં એઆઇએફ હેઠળ ૭૪૫૦૮ પ્રોજેકટ માટે ૪૭૭૦૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સ્વીકૃત પ્રોજેકટોએ કૃષિ સેક્ટરમાં ૭૮,૫૯૬ કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કર્યુ છે. આમાંથી ૭૮,૪૩૩ કરોડ રૂપિયા ખાનગી સંસ્થાઓ પાસેથી એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એઆઇએફ હેઠળ સ્વીકૃત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોએ કૃષિ સેક્ટરમાં ૮.૧૯ લાખથી વધુ ગ્રામીણ રોજગારની તકો પેદા કરવામાં મદદ કરી છે.
કેન્દ્રીય કેબિનેટે ૬૪૫૬ કરોડ રૂપિયાના કુલ અંદાજિત ખર્ચે ત્રણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ ત્રણ પ્રોજેકટ ચાર રાજ્યો ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢને આવરી લેશે. આ પ્રોજેક્ટથી ૧૩૦૦ ગામો અને ૧૧ લાખ લોકોને ફાયદો થશે. મલ્ટી ટ્રેકિંગ પ્રોજેકટથી ૧૩૦૦ ગામો અને ૧૯ લાખ લોકોને કનેક્ટિવિટી મળશે.