રાજ્યસભામાં 12 સાંસદો વિરોધ વગર ચૂંટાતા હવે એનડીએને બહુમત

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
રાજ્યસભામાં 12 સાંસદો વિરોધ વગર ચૂંટાતા હવે એનડીએને બહુમત 1 - image


- તેલંગાણાથી કોંગ્રેસના અભિષેક સિંઘવી રાજ્યસભા પહોંચ્યા

- બિહારથી ઉપેન્દ્ર કુશવાહ, મહારાષ્ટ્રથી અજીત જુથના નિતિન પાટિલ, હરિયાણાથી કિરણ ચૌધરી, મ. પ્રદેશથી જ્યોર્જ કુરિયન સાંસદ

નવી દિલ્હી : નવ રાજ્યોમાં રાજ્યસભાના સાંસદપદે પેટા ચૂંટણી  યોજાઇ રહી છે. જોકે ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી  પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીતી ગયા હતા. જે સાથે જ રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે. ભાજપ પાસે હવે ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે. 

વિરોધ વગર ચૂંટાયેલા રાજ્યસભાના ભાજપના ઉમેદવારોમાં આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધિર્ય શીલ પાટિલ, ઓડિશાથી મમતા મોહંતા, ત્રિપુરાથી ભટ્ટાચાર્જી અને રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટૂ તેમજ રાજીવ સામેલ છે. તેવી જ રીતે તેલંગાણાથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પણ વિરોધ વગર ચૂંટાઇ આવ્યા હતા. અજીત પવાર જુથના એનસીપીના નિતિન પાટિલ મહારાષ્ટ્રથી, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહ બિહારથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. 

જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસની ખુરશી સુરક્ષિત રહી છે, કોંગ્રેસની સંખ્યા વધીને ૨૭ થઇ ગઇ છે. જે વિપક્ષના નેતાની કુરશી માટે જરૂરી ૨૫ બેઠકો કરતા વધુ છે.  રાજ્યસભામાં બહુમત ના હોવાને કારણે એનડીએ સરકાર દ્વારા બિલો પસાર કરવા કપરુ હતું, જોકે હવે જ્યારે બહુમતની નજીક પહોંચી ગઇ હોવાથી વિપક્ષનો વિરોધ છતા બિલો પસાર કરવા સરળ બની શકે છે. 

અગાઉ સરકારે કેટલાક બિલોને એનડીએમાં સામેલ ના હોય તેવા પક્ષો જેમ કે બીજુ જનતા દળ, વાયએસ જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનો સમાવેશ થાય છે. હાલ આ બન્ને પક્ષો સત્તા ગુમાવી ચુક્યા છે. જેમાં ઓડિશામાં જનતા દળને હરાવી ભાજપ સત્તા પર છે જ્યારે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના પક્ષે સત્તા મેળવી છે જે એનડીએનો સાથી પક્ષ છે.


Google NewsGoogle News