કુંભમાં સાત કરોડ રુદ્રાક્ષમાંથી 12 જ્યોર્તિંલિંગ બનાવાયા
- પ્રયાગરાજમાં શિવ નગરીનો અદભૂત નજારો
- શિવલિંગ પર લપેટવામાં આવેલા રુદ્રાક્ષને 10,000 ગામમાંથી ભીક્ષા માંગીને એકત્ર કરાયા છે
પ્રયાગરાજ : પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવ નગરીમાં ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા ૧૨ જ્યોતિર્લિંગ દૂર-દૂરથી ભક્તોને આકર્ષી રહ્યાં છે.
મહાકુંભના સેક્ટર ૬માં બનાવવામાં આવેલું જ્યોર્તિલિંગ ૧૧ ફૂટ ઊંચુ, ૯ ફૂટ પહોળું અને ૭ ફૂટ જાડું છે. તેની આસપાસ ૭ કરોડ ૫૧ લાખ રુદ્રાક્ષની માળાઓને લપેટવામાં આવી છે. આ માળાઓને ૧૦,૦૦૦ ગામડાઓમાં ભીક્ષા માંગીને એકત્ર કરવામાં આવી છે.
મૌની બાબાએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુઓની રક્ષા માટે અને આતંકવાદનો નાશ કરવા માટે લોખંડનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે. છેલ્લા ૩૭ વર્ષથી તેઓ સફેદ, કાળા અને લાલ રંગના એકથી લઈને ૨૬ મુખી રુદ્રાક્ષના જ્યોતિર્લિંગ બનાવી રહ્યાં છે.
આ શિવ નગરીમાં છ શિવલિંગ દક્ષિણ તરફ અને છ ઉત્તર તરફ મુખ ધરાવે છે. દક્ષિણ તરફ મુખ ધરાવતું વિશ્વનું એકમાત્ર શિવલિંગ મહાકાલ જ્યોતિર્લિંગમાં આવેલું છે.