બંધ રૂમમાં જવાબો લખાવી રહ્યા હતા, પોલીસે દરોડો પાડી પ્રિન્સિપાલ સહિત 12ને ઝડપ્યા, 18 લાખ જપ્ત
UP Exam Cheating Case: ઉત્તરપ્રદેશમાં પરીક્ષામાં ચોરી કરાવતી એક મોટી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. આઝમગઢ જિલ્લામાં ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન(DElEd)ની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ એસઓજી અને પોલીસની ટીમે દરોડા પાડીને પૈસા લઈને સામૂહિક રૂપે પરીક્ષામાં ચોરી કરાવતી ગેંગને ઝડપી લીધી હતી.
સ્કૂલ મનેજર સહિત 12 લોકોની ધરપકડ કરી
રાની સરાય પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં રાજેન્દ્ર સ્મારક ઇન્ટર કૉલેજ સેઠવલના પ્રિન્સિપાલ, શિક્ષક અને અલગ અલગ સ્થળોના આવેલા સ્કૂલ મેનેજર સહિત 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન 18 લાખ 18 હજાર રૂપિયા પણ કબજે કરી લેવાયા હતા.
રહસ્યમય પત્રએ પોલ ખોલી
માહિતી અનુસાર ચાર-પાંચ દિવસ પહેલા પોલીસને પરીક્ષામાં નકલ કરાવવાની પોલ ખોલતો એક ગુમનામ પત્ર મળ્યો હતો. તે પત્રના આધારે જ કાર્યવાહીની સંપૂર્ણ રણનીતિ ઘડવામાં આવી હતી. આ મામલે એસપી હેમરાજ મીણાને જવાબદારી સોંપાઈ હતી અને તેમણે એસપી સિટીને સંપૂર્ણ ઘટનાની તપાસ કરી નકલ માફિયાઓને ઝડપી પાડવાની જવાબદારી આપી હતી. યુપીઆઈ દ્વારા પૈસાની લેવડ-દેવડના પુરાવા મળ્યા બાદ દરોડાની કાર્યવાહી કરાઈ હતી અને 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પ્રિન્સિપાલની પૂછપરછ બાદ 18 લાખ રૂપિયા રિકવર
આઝમગઢના એસપી હેમરાજ મીણાએ જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે રાજેન્દ્ર સ્મારક ઇન્ટર કૉલેજમાં ડીએલએડના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ રહી છે. આ પરીક્ષામાં વિજ્ઞાન સહિત ત્રણ વિષયોની પરીક્ષા હતી. આ પરીક્ષામાં સામૂહિક રીતે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી અને આ માટે તમામ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. આથી કાર્યક્ષેત્ર શહેરની ટીમ, એસપી સિટી, નાયબ મામલતદાર અને નાયબ નિયામકની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.