ઉદ્યોગપતિઓને ઘી-કેળાં: બેન્કોએ 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી, જુઓ લિસ્ટ
- આરટીઆઇના માધ્યમથી મેળવવામાં આવેલી માહિતીમાં ઘટસ્ફોટ
- છેલ્લા પાંચ વર્ષોમાં સરકારી બેંકોએ 6.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા એસબીઆઇએ સૌથી વધુ લગભગ 1.5 લાખ કરોડની લોન માફ કરી
- 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સરકારી બેંકોની એનપીએ 3,16,331 કરોડ હતી જ્યારે ખાનગી બેંકોની એનપીએ 1,34,339 કરોડ હતી
છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સૌથી વધુ રકમની લોન માફ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૧૫થી નાણાકીય વર્ષ ૨૦૨૪ની વચ્ચે બેેંકોએ કુલ 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આ રકમમાંથી ૫૩ ટકા અથવા 6.5 લાખ કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોએ માફ કરી છે.
ડેટા અનુસાર ટોપ ૧૦૦ ડિફોલ્ટરોની પાસે કુલ એનપીએનો 43 ટકા હિસ્સો છે. આ માહિતી આઇટીઆરના માધ્યમથી મેળવવામાં આવી છે. લોન ન ચુકવનારાઓમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ પણ સામેલ છે. આ ઉપરાંત તેમાં જિંદાલ અને જેપી ગ્રુપની કંપનીઓ પણ સામેલ છે.
એનપીએની બાબતમાં પણ સરકારી બેંકો આગળ છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આરબીઆઇના આંકડાઓ અનુસાર 30 સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સરકારી બેંકોની એનપીએ ૩,૧૬,૩૩૧ કરોડ રૂપિયા હતી. જ્યારે ખાનગી બેંકોની એનપીએ ૧,૩૪,૩૩૯ કરોડ
રૂપિયા હતી.
જે બેંકોએ લોન માફ કરી છે તેમાં રકમની દ્રષ્ટિએ એસબીઆઇ સૌથી આગળ છે. એસબીઆઇએ આ પાંચ વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજી નંબરે પંજાબ નેશનલ બેંક છે. ત્રીજા ક્રમે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ચોછા ક્રમે બેંક ઓફ બરોડા અને પાંચમાં ક્રમે બેંક ઓફ ઇન્ડિયા છે.
લોન માંડી વાળવાની બાબતમાં પણ સરકારી બેંકો ખૂબ જ આગળ છે. એસબીઆઇએ આ પાંચ વર્ષોમાં કુલ બે લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. પંજાબ નેશનલ બેંકે ૯૪,૭૦૨ કરોડ રૂપિયા માંડી વાળ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધી સરકારી બેંકોએ છેલ્લા પાંચ વર્ષોની ૬.૫ લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 42 હજાર કરોડ રૂપિયા માંડી વાળ્યા છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે આરબીઆઇના દિશા-નિર્દેશો અને બેંકોના બોર્ડની તસ્ફથી સ્વીકૃત નીતિ અનુસાર ચાર વર્ષ પૂર્ણ થવા પર એનપીએ રાઇટ ઓફ કરવામાં આવે છે.
આરબીઆઇ મુજબ નાદારીની પ્રકિયામાંથી પસાર થઇ રહેલી કંપનીઓ
* રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ
* રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ
*જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ
* જયપ્રકાશ પાવર વેન્ચર લિમિટેડ
* જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ
*આઇએલએન્ડએફએસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
* રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ
* વિડિયોકોન ગ્રુપની બે કંપનીઓ
*જિંદાલ ઇન્ડિયા થર્મલ પાવર
* ગિતાંજલિ જેમ્સ