૭૩ દેશોના ૧૧૬ રાજનેતાઓનું પણ કુંભના મેળામાં સંગમ સ્નાન
અમેરિકા, બાઝિલ, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, રશિયા અને સ્વિત્ઝર્લેન્ડના મહાનુભાવોના સમાવેશ
વિદેશી ભારતીયો જ નહી વિદેશી નાગરિકોને પણ કુંભમેળાનું આકર્ષણ
પ્રયાગરાજ,૧ ફેબુ્આરી,૨૦૨૫,શનિવાર
દેશ અને દુનિયામાં પ્રયાગરાજના મહાકુંભનું આકર્ષણ વધતું જાય છે. વિદેશના ખૂણે ખૂણેથી ધર્મ અને આસ્થાના સંગમમાં શ્રધ્ધાળુઓ ડુબકી લગાવી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશી નાગરિકો જ નહી ૭૩ દેશોના ૧૧૬ રાજનેતાઓએ પણ સંગમ સ્નાન માટે આવ્યા છે. આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેટલાક વિદેશી મહાનુભાવો સાથે સંગમ સ્નાન કર્યુ હતું. એટલું જ નહી સરસ્વતી કૂપ અને સૂતેલા હનુમાનના દર્શન કર્યા હતા.
ધનખડે પોતાની પત્ની અને પરિવાર સાથે હેલિકોપ્ટર માર્ગે કુંભમાં પહોંચ્યા હતા. અરેલ સંગમ ઘાટ તરફ ક્રુઝ પર બેસીને નૌકાયાનનો આનંદ લીધો હતો. નૌકાયાન દરમિયાન સાયબેરિયન પક્ષીઓને જોઇને ઉત્સાહિત થયા હતા. સ્વસ્તિ વચનની ગુંજારવ સાથે માથે શિવલિંગ મુકીને આસ્થાનું ડુબકી સ્નાન કર્યુ હતું. જો કે ઉપરાષ્ટ્પતિ ઉપરાંતના વિદેશી મહાનુભાવોના કાર્યક્રમને લગતી અન્ય માહિતી જાહેર કરવામાં આવી નથી. જે દેશોના રાજકીય મહાનુભાવો મહાકુંભમાં ભાગ લઇ રહયા છે તેમાં અમેરિકા, બાઝિલ, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, રશિયા, સ્વિત્ઝર્લેન્ડ,જાપાન,ન્યૂઝીલેંડ, જર્મની, નેપાળ અને કેનેડા સહિતના દેશોનો સમાવેશ થાય છે.