મણિપુરમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવેલા 11 કુકી ઉગ્રવાદીઓ ઠાર
- અનેક મકાનોને આગ લગાવ્યા બાદ પોલીસ સ્ટેશનને નિશાન બનાવવા પ્રયાસ
- માર્યા ગયેલા ઉગ્રવાદીઓ પાસેથી 4 એસએલઆર, ત્રણ એકે-47, એક આરપીજી સહિતના હથિયાર જપ્ત
ઇમ્ફાલ : મણિપુરમાં તાજેતરમાં ઉગ્રવાદીઓ દ્વારા હુમલાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સુરક્ષાદળો વધુ એલર્ટ થઇ ગયા છે. સોમવારે સુરક્ષાદળોની કાર્યવાહીમાં ૧૧ કૂકી ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. ઉગ્રવાદીઓએ સૌથી પહેલા સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો, જવાબી કાર્યવાહીમાં આ ઉગ્રવાદીઓ ઠાર મરાયા હતા. જ્યારે એક જવાન પણ ઘાયલ થયો હતો.
સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે કુકી ઉગ્રવાદીઓએ હિંસાગ્રસ્ત ઝિરિબાનના બોરોબેકરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. સીઆરપીએફએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જેમાં ૧૧ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા ઉગ્રવાદીઓની પાસેથી ૪ એસએલઆર, ત્રણ એકે-૪૭, એક આરપીજી સહિત અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. ઝિરિબાનમાં એક દિવસ પહેલા જ ઉગ્રવાદીઓ દ્વારા ૧૭ જેટલા મકાનોને આગ લગાવવામાં આવી હતી.
આ ઘટનાને અંજામ આપ્યાના બીજા જ દિવસે સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવા ગયા હતા જોકે તેઓ માર્યા ગયા હતા. ઉગ્રવાદીઓ બોરોબેકરામાં પોલીસ સ્ટેશન અને સૈન્ય કેમ્પ પર હુમલો કરવા માટે આવ્યા હતા. આ પોલીસ સ્ટેશન પર અગાઉ પણ અનેક વખત હુમલા થઇ ચુક્યા છે. જોકે સોમવારનો હુમલો નિષ્ફળ રહ્યા હતા અને સુરક્ષાદળોના જવાનોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા. મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસના વિરામ બાદ ફરી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ચાર દિવસમાં આ આઠમો હુમલો છે. એક દિવસ પહેલા જ મહિલા પર બળાત્કાર બાદ હત્યા અને એક મહિલા ખેડૂતની ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી.