મ.પ્ર.ના બૈરાગઢમાં ફટાકડા ફેકટરીમાં પ્રચંડ આગ, 11નાં મૃત્યુ, 50 ઘાયલ, 60 મકાનો પણ ધ્વસ્ત થયાં
- સંભવત: ફેકટરીનો માલિક ગામ છોડી સહકુટુંબ નાસી ગયો છે
- સવારથી લાગેલી આગ પછી લાંબા સમય સુધી ધડાકા ચાલુ રહેતાં, આસપાસનાં 100 મકાનો સત્તાવાળાઓએ ખાલી કરાવ્યાં
ભોપાલ : મધ્ય પ્રદેશના હાર્ધ જિલ્લા સ્થિત બૈરાગઢ ગામમાં ચાલતી ગેરકાયદે ફટાકડા બનાવતી ફેકટરીમાં આગ ભભૂકી ઉઠતાં ૧૧નાં મોત થયાં છે, જ્યારે ૫૦થી વધુને દાહલાગ્યા છે તે પૈકી કેટલાકને તો ભારે દાહ લાગ્યો છે. જ્યારે આગ સાથે થયેલાં પ્રચંડ ધડાકાઓને લીધે આજુબાજુનાં ૬૦ ઘરો ધ્વસ્તં થઈ ગયાં છે. આજે સવારે (મંગળવારે સવારે) લાગેલી આગ ભભૂકી ઉઠતાં અને લાંબા સમય સુધી ધડાકાઓ ચાલુ રહેતાં સત્તાવાળાઓએ સાવચેતીનાં પગલાં તરીકે આસપાસનાં ૧૦૦ મકાનો ખાલી કરાવ્યાં છે. આ આગને નજરોનજર જોનારાઓએ જણાવ્યા પ્રમાણે આગને લીધે ઊઠેલા ધુમાડાથી લગભગ આખું ગામ ઢંકાઈ ગયું છે.
આ સાથે કેટલાંકનું માનવું છે કે આ પ્રચંડ આગ અને પ્રચંડ વિસ્ફોટો પછી તે ગેરકાયદે ફેકટરીનો માલિક કદાચ સહકુટુંબ ગામ છોડી નાસી ગયો હોય તે પણ શક્ય છે. આ આગ અને ધડાકાને લીધે નજીકથી પસાર થઈ રહેલા કેટલાયે લોકોને પણ દાહલાગ્યા હોવા સંભવ છે.
ફેકટરીની બહાર રાખવામાં આવેલાં કેટલાંયે ટુ-વ્હીલર્સ આગમાં ભસ્મીભૂત થયાં છે.
ઇજાગ્રસ્તોને હાર્દાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સિવિલ સર્જન ડૉ. મનીષ શર્માએ જણાવ્યું હતું કે, છ વ્યક્તિઓ તો મૃત્યુ પામી છે, જ્યારે ૩૦ને દાહ થયા છે. તે પૈકી કેટલાંકને તો ભારે દાહ થયા છે. તેથી મૃત્યુ આંક વધવાની પૂરી શક્યતા છે. અમે તેઓને બચાવવા પૂરી મહેનત કરી રહ્યાં છીએ.
આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, આ ઘણી જ દુ:ખદ ઘટના છે. મારા જણાવ્યા પ્રમાણે અગ્નિશામકો પૂરતા પ્રયત્નો કરી રહ્યાં છે. મેં રાજ્યના મંત્રી ઉદય પ્રતાપ અને વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચી જવા જણાવ્યું છે. ભોપાલ સ્થિત મેડીકલ કોલેજ તથા એઈમ્સ ઉપરાંત ભોપાલ તથા ઇન્દોરની મેડીકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો તથા અન્ય તમામ હોસ્પિટલોને ઘાયલ થયેલાઓની તત્કાળ સારવાર માટે વ્યવસ્થા ગોઠવવા પણ જણાવી દેવામાં આવ્યું છે.
હાર્દા જિલ્લાના કલેકટર ઋષિ ગર્ગે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પરંતુ ગંભીર કેસોને ભોપાલ અને ઇન્દોર સ્થિત હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.