જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં હવે 106 કેન્દ્રીય કાયદાનો અમલ
- કલમ 35-એ દૂર થતાં કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં જમની સંબંધિત સાત કાયદાઓમાં ફેરફાર થશે
નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર, 2019, ગુરૂવાર
દેશના 526 રજવાડાઓના એકીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતીના દિવસે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હવે બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.
રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરિવર્તિત થતાં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં કેટલાક મહત્ત્વપર્ણ ફેરફારો થયા છે.
પૂર્ણ રાજ્ય જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજિત.
જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠન કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથે જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા છે.
અત્યાર સુધી રાજ્યપાલનું પદ હતું. હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપ-રાજ્યપાલના પદ.
રાજ્યમાં મોટાભાગના કેન્દ્રીય કાયદા લાગુ નહોતા થતા. હવે 106 કેન્દ્રીય કાયદા લાગુ થશે.
બંને કેન્દ્રશાસિત પ્રદેશોની હાઈકોર્ટ એક હશે, પરંતુ એડવોકેટ જનરલ અલગ હશે.
જમીન અને નોકરી પર માત્ર રાજ્યના નિવાસીઓના અધિકારની 35-એ કલમ હટયા પછી કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં જમીન સંબંધિત 7 નવા કાયદામાં ફેરફાર થશે.
રાજ્યના પુનર્ગઠન કાયદા હેઠળ રાજ્ય સ્તર પર બનેલા અંદાજે 153 કાયદા ખતમ થશે જ્યારે 166 કાયદાનો અમલ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલુ રહેશે.
કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે કેન્દ્રીય માનવાધીકાર આયોગના કાયદા, માહિતી અધિકાર કાયદો, એનમી પ્રોપર્ટી એક્ટ અને જાહેર સંપત્તિને નુકસાન થતું અટકાવતા કાયદાનો અમલ થશે.
જમ્મુ-કાશ્મીરનું વિભાજન અયોગ્ય : ચીનનો ચંચૂપાત
જમ્મુ અને કાશ્મીર રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજન કરવું ગેરકાયદે અને અર્થહીન છે. તેમજ લદ્દાખના વહીવટી ક્ષેત્રમાં ચીનના કેટલાક પ્રદેશનો સમાવેશ કરવો અયોગ્ય છે તેમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેન્ગ શુઆંગે જણાવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો પર ચીનના ગેરકાયદે કબજા મુદ્દે ચીનની ઝાટકણી કાઢતાં ભારતે સખત શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરનું વિભાજન ભારતની આંતરિક બાબત છે. ભારત કોઈ દેશની આંતરિક બાબતોમાં દખલ નથી કરતો તેથી તેને અપેક્ષા છે કે અન્ય દેશો પણ તેની આંતરિક બાબતમાં દખલ ન કરે.
હકીકતમાં ચીને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગ પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે. જમ્મુ અને કાશ્મીર મુદ્દા પર ભારતની સાતત્યપૂર્ણ અને સ્પષ્ટ સ્થિતિથી ચીન ખૂબ જ સારી રીતે માહિતગાર છે. અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યનું જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનર્ગઠન સંપૂર્ણપણે ભારતની આંતરીક બાબત છે.