પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા
49 Indians On Death Row In Eight Countries : પાકિસ્તાન-ચીન સહિત વિદેશની જેલોમાં કેટલા ભારતીયો કેદ છે અને કેટલા ભારતીયો ફાંસીની સજા ફટકારવામાં આવી છે? તે અંગે કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં જવાબ સાથે ડેટા રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, વિદેશમાં 10,152 ભારતીય નાગરિકોને વિવિધ ગુના હેઠળ દોષિત જાહેર કરાયા છે અથવા તો ટ્રાયલ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 49 ભારતીય નાગિરકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
UAEમાં સૌથી વધુ 25 ભારતીય નાગરિકો ફાંસીની રાહમાં
ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML)ના રાજ્યસભા સાંસદ અબ્દુલ વહાબે વિદેશની જેલોમાં બંઘ ભારતીય નાગરિકો અંગે પ્રશ્ન પૂછતા કેન્દ્ર સરકાર તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ રાઠોડે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપી કહ્યું કે, ‘વિદેશની જેલોમાં બંધ 10152 ભારતીયોમાંથી 49 નાગરિકોને ફાંસીની સજા અપાઈ છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)માં સૌથી વધુ 25 ભારતીય નાગરિકોને ફાંસીની સજા સંભળાવાઈ છે, જોકે આ મામલે હજુ અમલ કરાયો નથી.’
કયા દેશમાં કેટલા ભારતીયોને ફાંસીની સજા સંભળાવાઈ?
- સંયુક્ત આરબ અમીરાતમાં 25
- સાઉદી અરેબિયામાં 11
- મલેશિયામાં 6
- કુવેતમાં 3
- ઈન્ડોનેશિયામાં 1
- કતારમાં 1
- અમેરિકામાં 1
- યમનમાં 1
- કુલ - 49
કયા દેશમાં કેટલા ભારતીયો જેલમાં?
- સાઉદી અરેબિયામાં 2,633
- સંયુક્ત આરબ અમીરાતમાં 2,518
- નેપાળમાં 1,317
- કતારમાં 611
- કુવૈતમાં 387
- મલેશિયામાં 338
- પાકિસ્તાનમાં 266
- ચીનમાં 173
- અમેરિકામાં 169
- ઓમાનમાં 148
- રશિયામાં 27
- મ્યાનમારમાં 27
2020થી અત્યાર સુધીમાં 25 ભારતીયોને ફાંસી અપાઈ
- કુવૈતમાં 25
- સાઉદી અરેબિયામાં 9
- ઝિમ્બાબ્વેમાં 7
- મલેશિયામાં 5
- જમૈકામાં 1
- UAE - સંખ્યા જાહેર કરી નથી
યુએઈએ સત્તાવાર રીતે ફાંસીની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ બિનસત્તાવાર અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ત્યાં કોઈ ભારતીય નાગરિકને ફાંસી આપવામાં આવી નથી.
વિદેશની જેલોમાં બંધ ભારતીયોને મુક્ત કરવા ભારત સરકારના પ્રયાસો
રાજ્યસભામાં વિદેશ મંત્રાલયના ડેટાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, ‘ભારત સરકાર વિદેશની જેલોમાં બંધ ભારતીયોને મુક્ત કરવા તેમજ સ્વદેશ પરત મોકલવાનો મુદ્દો નિયમિત રીતે ઉઠાવતો રહે છે. આ મુદ્દે ભારતીય મિશનો અને પોસ્ટ દ્વારા સ્થાનિક અધિકારીઓ સમક્ષ વારંવાર ચર્ચા કરવામાં આવે છે. તપાસ અને કાયકીય કાર્યવાહી ઝડપી કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવે છે. ભારતીય કેદીઓને કોન્સ્યુલર એક્સેસ, કાનૂની સહાય અને અપીલો અને દયાની અરજીઓ સહિતના કાનૂની ઉપાયોને અનુસરવામાં સહાય પૂરી પાડવામાં આવે છે.
આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, કેવી રીતે ગયા મહિને UAE દ્વારા ત્રણ ભારતીય નાગરિકોને ફાંસી આપવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશના શહેઝાદી ખાનનો પણ સમાવેશ થાય છે, જેના પર બાળકની હત્યાનો આરોપ હતો.