યુપીના એક જ ગામના 10000 યુવાનો આર્મીમાં સેવા આપે છે, સૈનિકોની નર્સરી ગણાતા ગામમાં ઉતરે છે દેશભકિતનો ફાલ

ભારતીય સેનામાં સૈનિકથી શરુ કરીને કર્નલ સુધી પહોંચ્યા છે.

ગહમર માત્ર ભારતનું જ નહી એશિયાનું સૌથી મોટું ગામ ગણાય છે.

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
યુપીના એક જ ગામના 10000 યુવાનો  આર્મીમાં સેવા આપે છે,  સૈનિકોની નર્સરી ગણાતા ગામમાં ઉતરે છે દેશભકિતનો ફાલ 1 - image


લખનૌ, 6 જુલાઇ,2024,શનિવાર 

ઉત્તરપ્રદેશના ગાજીપુરથી ૪૦ કિમી દૂર ગહમર નામનું એક ગામ આવેલું છે. નગર પંચાયત જેટલી વસ્તી ધરાવે છે તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા  વહિવટ થતો હોવાથી ગહમર માત્ર ભારતનું જ નહી એશિયાનું સૌથી મોટું ગામ ગણાય છે. આ ગામની સ્થાપના ઇસ ૧૫૩૦માં સિકરવાર વંશના રાજપુતોએ કરી હતી. ગામના લોકોની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. જો કે ૬૧૮ હેકટર વિસ્તારમાં ફેલાયેલા આ ગામની વિશેષતા આટલી જ નથી. 

આ ગામમાં ૫૦૦૦થી વધુ નિવૃત સૈનિકો રહે છે.

આ ગામના ૧૦ હજારથી વધુ યુવાનો ઇન્ડિયન આર્મીમાં સેવા આપી રહયા છે એટલું જ નહી ગામમાં ૫૦૦૦થી વધુ નિવૃત સૈનિકો રહે છે. બુલંદ શહેર પાસે આવેલા સૈદપુરની જેમ આ  ગહમર ગામમાં પણ પરીવારનો કોઇ સભ્ય આર્મીમાં ફરજ બજાવતો ના હોય એવું એક પણ ઘર બાકી નથી. આ ગામના સપૂતો ભારતીય સેનામાં સૈનિકથી શરુ કરીને કર્નલ સુધી પણ પહોંચ્યા છે. દરેક ઘરમાં સૈનિકની તસ્વીરો, આર્મીની વર્દી અને શોકેઝમાં નાની મોટી સિધ્ધિઓના મેડલ જોવા મળે છે. આર્મીના જવાનો પેદા કરતી આ નર્સરીમાં દેશભકિતનો ફાલ સતત આવતો જ રહે છે.  માતા પિતા પોતાના સંતાનને આર્મીમાં મોકલવામાં જરાં પણ ખચકાતા નથી. 

યુપીના એક જ ગામના 10000 યુવાનો  આર્મીમાં સેવા આપે છે,  સૈનિકોની નર્સરી ગણાતા ગામમાં ઉતરે છે દેશભકિતનો ફાલ 2 - image

યુવાનો સવાર અને સાંજે આર્મીમાં ભરતી થવાની તૈયારીઓ કરતા નજરે પડે છે

ગહમર કુલ ૨૨ જેટલા ટોલા (પરા)માં વહેંચાયેલું છે. ગામના દરેક પરાનું નામ કોઇ વીર શહિદના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગામના સેંકડો યુવાનો ગંગા નદીના કાંઠે આવેલા મઠિયા ચોક પાસે સવાર અને સાંજે આર્મીમાં ભરતી થવાની તૈયારીઓ કરતા નજરે પડે છે. આર્મીમાં ભરતીના ઉંચા બેચમાર્કને મેળવવામાં પોતાની મેળે જ પાવરધા બને છે. ગામમાં પૂલ અપ બાર, ડિપ બાર અને ૪૦૦ મીટર સુધી દોડવાનો ટ્રેક તૈયાર કરાયો છે. ગામમાં બુલાકીદાસ બાબાનું મંદિર આવેલું છે. આર્મીમાં જોડાવાની તૈયારી કરતા યુવાનો આ ધાર્મિક સ્થળને જ પ્રેરણાનો સ્ત્રોત માને છે. 

આ ગામનું સંતાન ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતું હોય ત્યારથી જ આર્મી માટેની તૈયારીઓનો આરંભ કરી દે છે. એક સમય એવો હતો કે ભારતીય સેના ગહમર ગામમાં જવાનોની ભરતી  માટે ખાસ શિબિરનું આયોજન કરતી હતી પરંતુ ૧૯૮૬ પછી કોઇ પણ કારણોસર બંધ કરી દેવાયું છે. વેકેશનના માહોલમાં આ ગામ સૈન્ય છાવણીમાં ફેરવાઇ જાય છે. ગહમરનું રેલ્વે સ્ટેશન ૧૧ ટ્રેનોનું સ્ટોપ છે. આ ટ્રેનમાંથી કોઇને કોઇ સૈનિક ઉતરતો કે ચડતો અચૂક જોવા મળે છે. 

યુપીના એક જ ગામના 10000 યુવાનો  આર્મીમાં સેવા આપે છે,  સૈનિકોની નર્સરી ગણાતા ગામમાં ઉતરે છે દેશભકિતનો ફાલ 3 - image

કેટલાક પરીવારોની તો પાંચમી પેઢી આર્મીમાં ફરજ બજાવે છે

આ ગામને આર્મી સાથે એટલો વિશેષ નાતો છે કે કેટલાક પરીવારોની તો પાંચમી પેઢી આર્મીમાં ફરજ બજાવે છે. ભારતમાં અંગ્રેજોની હકુમત હતી ત્યારે પણ ગહમરના સપૂતો બ્રિટીશરોની ભારતીય આર્મીમાં ભરતી થતા હતા. પ્રથમ વિશ્વયુધ્ધ (૧૯૧૪ થી ૧૯૧૯)માં ગહમર ગામના ૨૨૮ સૈનિકોએ ભાગ લીધો હતો જેમાં ૨૧ જવાનો શહીદ થયા હતા. ગામમાં એક સ્મારક તકતી પરનું લખાણ તેની ગવાહી પુરે છે.

૧૯૬૨ માં ઇન્ડો ચાઇના યુધ્ધ, ૧૯૬૫ અને ૧૯૭૧માં ભારત પાક યુધ્ધ અને ૧૯૯૯માં કારગિલની લડાઇમાં પણ ગહમરના યુવાનોએ ભાગ લીધો હતો. ઇસ ૧૮૫૭માં અંગ્રેજો સામે થયેલા પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામમાં ભૂમિકા ભજવનારા મગરસિંગ પણ મગહરની ધરતીના જ સપૂત હતા. પેઢી દર પેઢી ચાલી આવતી માતૃભૂમિનું રક્ષણ કરવાની ભાવનામાં જરાંય ઓટ આવી નથી. ગહમર ગામના ભૂતપૂર્વ સૈનિકોએ ભેગા થઇને પૂર્વ સૈનિક સેવા સમિતિ નામનું સંગઠન બનાવ્યું છે.

યુપીના એક જ ગામના 10000 યુવાનો  આર્મીમાં સેવા આપે છે,  સૈનિકોની નર્સરી ગણાતા ગામમાં ઉતરે છે દેશભકિતનો ફાલ 4 - image

જે પંથકના યુવકોને આર્મીમાં ભરતી થઇને દેશ સેવા કરવા પ્રોત્સાહિત કરે છે.  ગામમાં ૧૦ થી વધુ સ્કૂલો અને ૨ ડિગ્રી કોલેજ છે.  દરેક યુવાનનું પ્રથમ સપનું આર્મીમાં જોડાવાનું હોય છે. જો કે આ મગહર ગામે માત્ર સૈનિકો જ નહી સાહિત્યકારો પણ આપ્યા છે. પ્રસિધ જાસુસી ઉપન્યાસકાર ગોપાલરામ ગહમરી, ગીતકાર ભોલાનાથ ગહમરી, પ્રદિપ પાંડે પુષ્કલ, મિથલેશ ગહમરી, આનંદ ગહમરી અને ફજીહત ગહમરી વગેરેનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News