વીવીપેટની 100 ટકા મેળવણીનો ચૂકાદો અનામત
- ઈવીએમ સાથે ચેડાં અશક્ય, વીવીપેટમાં કોઈ સોફ્ટવેર લોડ થઈ શકતું નથી : ચૂંટણીપંચ
- EVMની ક્ષમતા પર શંકા અયોગ્ય
- મતદારોની વધતી સંખ્યા ઇવીએમ પર લોકોમાં વિશ્વાસ દર્શાવે છે, ચૂંટણી પંચ સારું કામ કરતું હોય તો તેની પ્રશંસા કરવી જોઈએ : જજ દિપાંકર દત્તા
- મતદાન પહેલાં 100 ટકા મશીનો મોક પોલમાંથી પસાર થાય છે, ઉમેદવારો ૫ ટકા મશીનોની જ જાતે તપાસ પણ કરી શકે છે : ચૂંટણી પંચ
- વીવીપેટ મશીનમાં 7 સેકન્ડ માટે ચાલતો બલ્બ સતત ચાલુ રાખવા પ્રશાંત ભૂષણની અપીલ
નવી દિલ્હી : દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું. સુપ્રીમે ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા તેણે ઉઠાવેલા પગલાં અંગે વિસ્તારથી જણાવવા કહ્યું હતું. સુપ્રીમના સવાલોના જવાબમાં ઈવીએમે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઈવીએમ સાથે ચેડાં કરવા અશક્ય છે. ઈવીએમના મતોને ૪ કરોડ વીવીપેટ ચીઠ્ઠીઓ સાથે મેળવવામાં આવ્યા હતા અને તેમાં કોઈ અંતર જોવા મળ્યું નહોતું. સુપ્રીમે આ કેસમાં તેનો ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મતદારોની સતત વધતી જતી સંખ્યા લોકોને ઇવીએમ તેમજ ચૂંટણી પ્રક્રિયા પર ભરોસો હોવાનું દર્શાવે છે. સુપ્રીમે ઇવીએમ પર કરાતી શંકાને પણ અયોગ્ય ગણાવી હતી.
ઈવીએમના મતો સાથે વીવીપેટની ચીઠ્ઠીઓની ૧૦૦ ટકા મેળવણી અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા અરજદારોએ વીવીપેટ મશીનમાં ઓપેક ગ્લાસના બદલે ટ્રાન્સપરન્ટ ગ્લાસ લગાવવાની પણ માગ કરી છે. અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આગળનો દિવસ છે ત્યારે ઈવીએમમાં બટન દબાવ્યા પછી સાત સેકન્ડ માટે ચાલુ થતો બલ્બ સતત ચાલુ રહે તેવા નિર્દેશ કોર્ટ આપે તેવી પણ માગ કરી હતી.
પ્રશાંત ભૂષણની આ માગ સમયે ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, તમે ઘણા આગળ વધી રહ્યા છો. વીવીપેટ મશીનનો ગ્લાસ પારદર્શી હોય કે ટ્રાન્સલ્યુસન્ટ ગ્લાસ હોય અથવા તે સાત સેકન્ડ માટે ચાલુ થાય, મૂળ વાત મતદારોના સંતોષ અને વિશ્વાસની હોય છે. મશીનમાંનો બલ્બ માત્ર તમને વધુ સારી રીતે જોવામાં મદદ કરી શકે છે. તમે દરેક બાબતો પર શંકા કરી શકો નહીં. દરેક બાબતોની ટીકા કરી શકાય નહીં. ચૂંટણી પંચ કંઈક સારું કામ કરતું હોય તો તેની પ્રશંસા કરવી જોઈએ.
સુનાવણી દરમિયાન બેન્ચે ઈવીએમની કાર્યપદ્ધતિ તથા સુરક્ષાને સમજવા તેમજ ઈવીએમના ટેકનિકલ પાસાઓને સમજવા માટે ચૂંટણી પંચના સિનિયર ડેપ્યુટી કમિશનર નિતેશ કુમાર વ્યાસને સવાલો કર્યા હતા. ન્યાયાધીશ દિપાંકર દત્તાએ કહ્યું, આ ચૂંટણી પ્રક્રિયા છે. તેમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈને પણ આશંકા ન થવી જોઈએ કે જે કંઈ અપેક્ષિત છે તે નથી કરાઈ રહ્યું.
ઈવીએમ સાથે ચેડાં કરવા અશક્ય છે તેમ કહેતા ચૂંટણી પંચના અધિકારીએ બેન્ચને ઈવીએમની કામ કરવાની પદ્ધતિ જણાવી હતી. બેન્ચે સવાલ કર્યો કે ઈવીએમમાં કઈ-કઈ માહિતી હોય છે અને તે ક્યારે તથા કેવી રીતે અપલોડ કરાય છે. નિતેશ કુમાર વ્યાસે જણાવ્યું કે, ઈવીએમમાં પક્ષોના પ્રતીકો અને સીરિયલ નંબર હોય છે. તેને મતદાનના એક સપ્તાહ પહેલા દરેક પક્ષના ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં અપલોડ કરવામાં આવે છે. ત્યાર પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. વધુમાં પ્રતિનિધિઓને જે બટન દબાવવામાં આવે તેની જ ચીઠ્ઠી વીવીપેટમાંથી નીકળે છે તેની પણ પુષ્ટી કરાવવામાં આવે છે. આ સિવાય વીવીપેટ મશીનમાં કોઈ સોફ્ટવેર લોડ નથી હોતું અને તે માત્ર પ્રિન્ટર છે.
નિતેશ કુમારે કહ્યું હતું કે, ચૂંટણી પંચ પાસે ૧૭ લાખ વીવીપેટ છે. ઈવીએમ ઉત્પાદક કંપનીઓને એ ખ્યાલ નથી હોતો કે કઈ મશીન કયા ચૂંટણી મતવિસ્તારમાં જઈ રહી છે અને કયું બટન કયા પક્ષને ફાળવવામાં આવ્યું છે. મતદાન પહેલાં ૧૦૦ ટકા મશિનો મોક પોલમાંથી પસાર થાય છે. જોકે ઉમેદવારો ૫ ટકા મશીનો જ જાતે તપાસ કરી શકે છે.
વીવીપેટની ચીઠ્ઠીઓની ગણતરી અંગે તેમણે કહ્યું કે, વીવીપેટની ચીઠ્ઠીઓ ગણવામાં થતા વિલંબ અંગે અધિકારીએ કહ્યું કે વીવીપેટની ચીઠ્ઠીઓ ગણતરી માટે નથી હોતી. તે કાગળો એટીએમ મશીનોમાંથી નીકળતા કાગળ જેવા ખૂબ જ પાતળી હોય છે. તેને ગણવાનું કામ ખૂબ જ કંટાળાજનક છે અને તેમાં સમય લાગે છે.
ઈવીએમ કેવી રીતે કામ કરે છે : સુપ્રીમનો સવાલ
સુપ્રીમ કોર્ટે ઈવીએમની કામગીરી અંગે સવાલ કરતા ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે, ઈવીએમમાં ત્રણ મશીન હોય છે. બટન યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ. બટન યુનિટમાં માત્ર એ માહિતી હોય છે કે કયા નંબરનું બટન દબાવાયું. આ માહિતી કંટ્રોલ યુનિટમાં જાય છે. કંટ્રોલ યુનિટથી વીવીપેટને પ્રિન્ટિંગનો કમાન્ડ મળે છે. વીવીપેટ કમાન્ડ મુજબ પ્રિન્ટ કાઢે છે. વીવીપેટમાં એક નાનું સિમ્બલ લોડિંગ યુનિટ હોય છે, જે ટીવી રિમોટ આકારનું હોય છે. તેને બહારથી નિયંત્રિત કરી શકાતું નથી કારણ કે તે ઈન્ટરનેટ અથવા કોઈ બહારના નેટવર્ક સાથે જોડાઈ શકતું નથી. આ યુનિટ કંટ્રોલ યુનિટમાંથી મળેલા કમાન્ડને પ્રોસેસ કરીને વીવીપેટને માહિતી આપે છે.
ઈવીએમ પર સવાલ કરનારાને દંડ કરો : મહેતા
સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઈવીએમ પર સવાલ ઉઠાવનારાઓને દંડ કરવાની ભલામણ કરી હતી. તુષાર મહેતાએ શરૂઆતમાં સ્પષ્ટ કર્યું કે તેઓ અદાલતના અધિકારી તરીકે હાજર થયા છે. તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણીનો સમય આવે એટલે નિયમિત સમયે ચૂંટણી વ્યવસ્થા પર સવાલો ઊઠાવવામાં આવે છે અને મતદાન પહેલાં આવી કોર્ટમાં આવી અરજીઓ થાય છે. વારંવાર આવી અરજીઓ કરનારાને દંડ કરવાની ભલામણ કરતાં તુષાર મહેતાએ કહ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિથી લોકતંત્રને નુકસાન થાય છે. તેની મતદાન પર અસર થાય છે. આવા લોકો મતદારોની પસંદગીની મજાક બનાવી રહ્યા છે.