ખેડુત આંદોલનનાં 100 દિવસ પુરા, ખેડુતોએ મનાવ્યો કાળો દિવસ, આગામી રણનિતી માટે 15 માર્ચે યોજાશે બેઠક
- ખેડુતો અને સરકાર વચ્ચે 11 તબક્કાની ચર્ચા થઇ ચુકી છે, અત્યાર સુધી 70થી વધુ ખેડુતોનું થયું મોત
નવી દિલ્હી, 6 માર્ચ 2021 શનિવાર
કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા અંગે 100 દિવસથી ખેડુતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે, શનિવારે ખેડુત સંગઠને આદોલનનાં સો દિવસ પુરા થવા પર કેએમપી એક્સપ્રેસ-વે ની પાંચ કલાકની નાકાબંધીની સાથે એકસોમાં દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો, વિરોધ પ્રદર્શનમાં તમામ ખેડુતોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો, તે ઉપરાંત ખેડુતોએ ડાસના, દુહાઇ, બાગપત, દાદરી, ગ્રેટર નોઇડાનાં માર્ગો પર ચક્કાજામ કર્યું, આગામી રણનિતી માટે ખેડુત સંગઠન 15 માર્ચે ફરી બેઠક કરી આગળની રણનિતી નક્કી કરશે.
ખેડુતો નેતાઓ આગામી દિવસોમાં દરેક સપ્તાહે કોઇને કોઇ કાર્યક્રમ આયોજીત થતો રહે તે માટે કાર્યક્રમ તૈયાર કરશે, અને તે માટે 15મી માર્ચે ખેડુત સંગઠનોની બેઠક યોજાશે, તેમાં રણનિતી અંગે ચર્ચા થશે, તે ઉપરાંત કિસાન મહાપંચાયતો પણ યોજાતી રહેશે.
6 નવેમ્બર 2020થી શરૂ થયેલું ખેડુત આદોલન બાદ કેન્દ્ર સરકારે પહેલી વખત 1 ડિસેમ્બરનાં દિવસે ખેડુતો સાથે વિજ્ઞાન ભવનમાં ચર્ચા કરી, ત્યાર બાદ ખેડુતો અને સરકાર વચ્ચે 11 તબક્કાની ચર્ચા થઇ ચુકી છે, પરંતું એક પણ બેઠકમાં ખેડુતોની સમસ્યાઓનો નિવેડો લાવી શકાયો નથી, અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી 70થી વધુ ખેડુતોનું મોત થઇ ચુક્યું છે.