100 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ અભિનેતા પ્રકાશ રાજને ઇડીના સમન્સ
- પ્રણવ જવેલર્સે સોનામાં રોકાણની પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી
- ઇડીના પ્રણવ જવેલર્સમાં દરોડા : વાંધાજનક દસ્તાવેજો, રૂ. 23.70 લાખ રોકડ અને 11.60 કીલો સોનાના ઘરેણા જપ્ત
ચેન્નાઇ : ઇડીએ ત્રિચી સ્થિત જ્વેલરી ગ્રુપની વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડથી સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યા છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે અભિનેતા પ્રકાશ રાજને ઇડીએ ૧૦૦ કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ ૨૦ નવેમ્બરે ત્રિચી સ્થિત એક પાર્ટનરશીપ કંપની પ્રણવ જવેલર્સ સાથે સંકળાયેલ સંપત્તિની તપાસ કરી હતી.
આ તપાસ પછી પ્રણવ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. દરોડા દરમિયાન વિભિન્ન વાંધાજનક દસ્તાવેજો, ૨૩.૭૦ લાખ રૂપિયા રોકડા અને ૧૧.૬૦ કીલો સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતાં.
ઇડીના સૂત્રો આપેલી માહિતીથી સંકેત મળી રહ્યાં છે કે પ્રકાશ રાજને બોલાવવા પ્રણવ જવેલર્સ દ્વારા બનાવવામાં આવેલ સોનામાં રોકાણની બનાવટી સ્કીમની વ્યાપક તપાસનો ભાગ છે.
૫૮ વર્ષીય અભિનેતા આ કંપની બ્રાન્ડ એમ્બેસેડર રહ્યાં છે. તેમને આગામી સપ્તાહમાં ચેન્નાઇમાં ફેડરલ એજન્સીની સામે રજૂ થવા જણાવવામાં આવ્યું છે.
પોન્ઝી સ્કીમ પ્રણવ જવેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. ઇડીએ આ કેસ તમિલનાડુ પોલીસ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગની એફઆઇઆરને આધારે દાખલ કર્યો હતો. પ્રણવ જવેલર્સે આકર્ષક રીટર્ન આપવાનું વચન આપીને સોનામાં રોકાણ કરવાના નામે ૧૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યુ હતું.