પેપર લીક કરનારાને 10 વર્ષની સજા, રૂ. 1 કરોડનો દંડ
- પેપર ચોરીને ડામવા સરકાર આજે કડક જોગવાઈ સાથે બીલ રજૂ કરે તેવી સંભાવના
- સૂચિત કાયદાથી પેપર લીક કરતી સંગઠિત ગેંગો, માફિયા તત્વો અને ગેરરીતિ આચરનારાઓ સામે આકરાં પગલાં લેવાશે
- પેપર લીકમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓને પણ ૩-૫ વર્ષની કેદ અને રૂ. ૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ
- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, બિહારમાં પેપર લીક થતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ થતાં કાયોદ લાવવા નિર્ણય
નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક સમયથી અનેક રાજ્યોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ખરા સમયે લીક થઈ જાય છે અથવા તેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવે છે. આ સમસ્યાના ઊકેલ સ્વરૂપે કેન્દ્ર સરકાર પેપર માફિયાઓને ડામવા આ સપ્તાહે સંસદમાં જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોને રોકવા) બિલ, ૨૦૨૪ રજૂ કરે તેવી સંભાવના છે. આ બિલની જોગવાઈમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ગેરરીતિ કરનારાને મહત્તમ ૧૦ વર્ષની જેલ અને રૂ. ૧ કરોડ સુધીના દંડનો સમાવેશ કરાયો હોવાનું સૂત્રોનું કહેવું છે.
સંસદની વેબસાઈટ પર સોમવારના કામકાજની યાદી મુજબ સરકાર જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોને રોકવા) બિલ, ૨૦૨૪ સંસદમાં રજૂ કરશે. આ બિલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે તેમ સૂત્રોનું કહેવું છે. સૂચિત કાયદા હેઠળ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં નહીં આવે. આ કાયદા હેઠળ સંગઠિત ગેંગો, માફિયા તત્વો અને ગેરરીતિ આચરનારાઓ સામે આકરા પગલાં લેવાશે. આ બિલનો આશય યુપીએસસી, એસએસસી, રેલવે, નીટ, જેઈઈ અને સીયુઈટી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવાનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરોને લીક થતા રોકવાનો છે.
સૂચિત કાયદા હેઠળ પરીક્ષા લીક કરતા તત્વો સાથે સંડોવાયેલા સરકારી અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે. પેપર લીકમાં સંડોવાયેલા લોકોની સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે. વધુમાં પેપર લીકમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓને ૩-૫ વર્ષની કેદ અને રૂ. ૧૦ લાખ સુધીનો દંડ થશે તેમ સૂત્રોએ કહ્યં હતું.
પ્રશ્નપત્ર લીક થવાના કારણે રાજસ્થાનમાં શિક્ષક ભરતી પરીક્ષા, હરિયાણામાં ગૂ્રપ-ડીના પદો માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (સીઈટી), ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા અને બિહારમાં કોન્સ્ટેબલ બરતી પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી હોવાની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકાર આ બિલ લઈને આવી રહી છે. જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોને રોકવા) બિલ રજૂ કરવાની સરકારની તૈયારીની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે સંસદની સંયુક્ત બેઠકમાં કહ્યું હતું કે, મારી સરકાર પરીક્ષાઓમાં અનિયમિતતાઓના સંબંધમાં યુવાનોની ચિંતાઓથી માહિતગાર છે. તેમની ચિંતાઓ દૂર કરવા માટે નવો કાયદો બનાવાઈ રહ્યો છે, જેનાથી યુવાનોને આશ્વાસન અપાશે કે પ્રમાણિક પ્રયાસોને યોગ્ય પુરસ્કાર મળશે, જેનાથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થાય તે સુનિશ્ચિત થઈ શકે.
આ બિલ વિશેષરૂપે સંગઠિત જૂથો અને ગેરરીતિઓમાં સામેલ માફિયા તત્વો દ્વારા પેપરો સોલ્વ કરતી ગેંગ રોકવામાં આવે છે, અયોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પેપરો લીક કરવામાં સંડોવાયેલા હોય છે. આ બિલનો પ્રાથમિક આશય આવા કુખ્યાત તત્વોને રોકવા અને જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વધુ પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સ્થાપિત કરવાનો છે.
ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચનાની દરખાસ્ત
જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોને રોકવા) બિલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચનાની પણ દરખાસ્ત કરે છે. આ સમિતિ કમ્પ્યુટરાઈઝ્ડ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા, ડિજિટલ પ્લેટફોર્મને સુરક્ષિત કરવા માટે પ્રોટોકોલ વિકસાવવા, પરીક્ષા કેન્દ્રોનું ઈલેક્ટ્રોનિક નિરીક્ષણ સુનિશ્ચિત કરવા અને આવી પરીક્ષાઓમાં ઉપયોગ લેવાનારા આઈટી અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાષ્ટ્રીય માપદંડો તૈયાર કરવાના ઉપાયોની ભલામણો કરે તેવી શક્યતા છે.