સતત 10 વખત સાંસદ બની 57 વર્ષ રાજ કર્યું, 71 મતે હારતાં 19 મહિના પછી દુનિયામાંથી લીધી વિદાય
આ એ જ બેઠકના નેતાની વાત છે જે તાજેતરમાં પીએમ મોદીની મુલાકાતને લીધે ચર્ચામાં આવી હતી
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજ સુધીના ચૂંટણી ઈતિહાસમાં પણ એવા ઘણા નેતાઓ હતા જેમણે એકચક્રી શાસન જાળવી રાખ્યું હતું. આ યાદીમાં એક રાજનેતા હતા લક્ષદ્વીપના સાંસદ. 26 વર્ષની ઉંમરે તેમણે સાંસદ બનવાનો જે સિલસિલો શરૂ કર્યો હતો તે લગભગ 50થી વધુ વર્ષ સુધી ચાલતો રહ્યો. વડાપ્રધાન બદલાતા રહ્યા...સરકારો આવતી-જતી રહી, દેશમાં ઘણી વસ્તુઓ બદલાતી રહી પરંતુ એક વસ્તુ ન બદલાઈ એ હતા લક્ષદ્વીપના સાંસદ. હાં, એ જ લક્ષદ્વીપ જેનો સુંદર બીચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પોસ્ટના કારણે ફરી ચર્ચામાં આવ્યો અને માલદિવ જેવો દેશ પણ ધ્રૂજી ગયો. ચૂંટણીની આ ઋતુમાં દરેકની નજર દેશની હોટ સીટ્સ પર છે. તેમાંથી એક બેઠક આ પણ છે.
વાજપેયી, સોમનાથ ચેટરજી જેવો રેકોર્ડ બનાવ્યો
લોકશાહીનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી આ બેઠક વિશે તમારે પણ જાણવું જોઈએ. જે રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ બનાવ્યો હતો, એ જ ઈતિહાસ આ બેઠકના સાંસદ એટલે કે પી.એમ. સઈદે પણ રચ્યો હતો. આ તમામ લોકો સતત 10 વખત લોકસભાના સાંસદ બન્યા હતા. સૌથી લાંબા સમય સુધી સાંસદ તરીકે સેવા આપવાનો રેકોર્ડ સીપીઆઈ નેતા ઈન્દ્રજીત ગુપ્તાના નામે છે, જેઓ સતત 11 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ માત્ર 50 હજારની વસ્તીવાળા આ ટાપુની વાર્તા ભાગ્યે જ આપણા સુધી પહોંચી શકી. પી.એમ.સઈદ એકવાર સાંસદ બન્યા પછી તે સતત સાંસદ બનતા ગયા. ભલે ગમે તે વિરોધી હોય કોઈ તેમને હરાવી શક્યો નહીં. પરંતુ જ્યારે આ કિલ્લો ધ્વસ્ત થયો ત્યારે એ પણ એટલા ઓછા મતોને કારણે કે કોઈને તેના પર વિશ્વાસ જ ના થયો.
1967માં અહીં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી
એ વાત જુદી છે કે દેશમાં પ્રથમ ચૂંટણી 1951-52માં થઈ હતી, પરંતુ લક્ષદ્વીપના લોકોને મતદાન માટે 16 વર્ષ રાહ જોવી પડી હતી. આ પહેલા અહીં ચૂંટાયેલા બે સાંસદોને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ 1967માં લક્ષદ્વીપના લોકોને પોતાનો સાંસદ ચૂંટવાનો અધિકાર મળ્યો. રસપ્રદ વાત એ છે કે પ્રથમ ચૂંટણીમાં કોઈપણ પક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. જે ઉમેદવારો ઉભા હતા તે તમામ અપક્ષ હતા. તેમાંથી એક પી.એમ. સૈયદ પણ હતા. આ પહેલી ચૂંટણી હતી તેથી લોકશાહીના આ મહાપર્વમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 82 ટકાથી વધુ મતદાન થયું હતું. એ બીજી વાત છે કે માત્ર 11,897 મત પડ્યા હતા. પી.એમ. સઈદને 4,151 વોટ મળ્યા અને એ.ટી. અર્નાકડ 3765 વોટ મેળવી બીજા ક્રમે રહ્યા. સઈદ 386 મતોથી જીત્યા અને માત્ર 26 વર્ષની ઉંમરે તે સમયે સૌથી યુવા લોકસભા સાંસદ બન્યા.
એકવાર જીત્યાં બાદ સતત જીતતાં જ ગયા
લક્ષદ્વીપમાં શરૂ થયેલી તેમની જીતનો ક્રમ એક પછી એક ચૂંટણીમાં ચાલુ રહ્યો. 1971ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર બન્યા અને ફરી જીત્યા. તેઓ 1967 થી 1999 સુધી દરેક વખતે જીતતા ગયા. સતત 10 વખત સાંસદ તરીકે ચૂંટાયા. જીતનું માર્જિન દરેક વખતે વધતું જ રહ્યું. વડાપ્રધાન બદલાતા રહ્યા પરંતુ લક્ષદ્વીપમાં સાંસદ તો એ જ રહ્યા.
પછી એમના માટે એ કાળો દિવસ આવ્યો
કહેવાય છે કે દરેકનો સારો સમય પૂરો થાય છે. પી.એમ. સઈદ સાથે પણ આવું જ થયું. વર્ષ 2004માં ચૂંટણી હતી. તેઓ ફરી ચૂંટણી મેદાને ઉતર્યા હતા, કોંગ્રેસ સહિત બધાને આશા હતી કે આ વખતે પણ કંઈ બદલાશે નહીં. પરંતુ આ વખતે નસીબમાં કંઈક બીજું જ હતું. નસીબે દગો કર્યો અને 1967માં શરૂ થયેલી રાજકીય સફર 2004માં પૂરી થઈ. તે પણ માત્ર 71 મતથી...હા, તમે બરાબર વાંચ્યું છે. જેડીયુના ઉમેદવાર પી. પુખુની કોયાએ તેમને માત્ર 71 મતથી હરાવ્યા હતા. તેમને 15,597 વોટ મળ્યા જ્યારે સઈદને 15,526 વોટ મળ્યા. વિધિનો વિધાન જુઓ, તેઓ મે 2004માં ચૂંટણી હારી ગયા અને 18 ડિસેમ્બર 2005ના રોજ માત્ર 65 વર્ષની વયે તેમનું નિધન થઇ થયું. આગામી ચૂંટણીમાં તેમના પુત્ર મોહમ્મદ હમદુલ્લા સઈદને જનતાનો પ્રેમ મળ્યો. પરંતુ 2014 અને 2019માં આ સીટ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ.