Get The App

પૂર્વ અગ્નિવીરોને સૈન્યદળોમાં 10 ટકા અનામત

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
પૂર્વ અગ્નિવીરોને સૈન્યદળોમાં 10 ટકા અનામત 1 - image


- અગ્નિપથ યોજનાની 'ચર્ચા' વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

- BSF, CISF અને CRPFમાં ભરતી વખતે પણ પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ ટેસ્ટ તેમજ વયમર્યાદામાં છૂટ મળશે

- સરકારના આ નિર્ણયથી સુરક્ષા દળોને પણ ફાયદો થશે કારણકે તેમને ચાર વર્ષના અનુભવવાળા તાલીમબદ્ધ અને શિસ્તબદ્ધ જવાનો મળશે 

નવી દિલ્હી : પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) અને સીઆરપીએફની ભરતીઓમાં દસ ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. 

સીઆઇએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલે આ નિર્ણયની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અગ્નિવીર યોજના અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો. 

ભવિષ્યમાં બીએસએફ અને સીઆઇએસએફની તમામ નિમણૂકોમાં પૂર્વ અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત તેમને ફિઝિકલ ટેસ્ટ અને ઉંમરમાં છૂટ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં ઉંમરમાં પાંચ વર્ષની છૂટ મળશે અને આગામી વર્ષે ઉંમરમાં ત્રણ વર્ષની છૂટ મળશે.

સીઆઇએસએફના વડાએ જણાવ્યું છ કે પૂર્વ અગ્નિવીરો આ લાભ ઉઠાવી શકશે અને સીઆઇએસએફ પણ સુનિશ્ચિત કરશે કે તેમને આ લાભ મળે. આનાથી સીઆઇએસએફને પણ લાભ થશે કારણકે તેમને પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ કર્મચારી મળશે.

બીએસએફના વડા નીતિન અગ્રવાલે જણાવ્યું છે કે અગ્નિવીરો પાસે ચાર વર્ષનો અનુભવ છે. તેઓ સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ અને તાલીમ મેળવેલા જવાનો છે. આ બાબત બીએસએફ માટે ખૂબ જ સારી બાબત છે કારણકે અમને તાલીમબદ્ધ  સૈનિક મળી રહ્યાં છે. સંક્ષિપ્ત તાલીમ પછી તેમને સરહદે તૈનાત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પૂર્વ અગ્નિવીરોની ભરતીથી તમામ સુરક્ષા દળોને ફાયદો થશે. અમે તેમની નિમણૂકની રાહ જોઇ રહ્યાં છીએ. તાલીમ આપ્યા પછી તેમને તૈનાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે જૂન, ૨૦૨૨માં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય સેવાઓ માટે અગ્નિવીર યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષન ઉંમરના યુવાનોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. જેમાં ૨૫ ટકા જવાનોની સેવા ૧૫ વર્ષ માટે ચાલુ રાખવાની જોગવાઇ છે.


Google NewsGoogle News