10 પાસ કરનૈલસિંહ દિલ્હીના સૌથી ધનવાન ઉમેદવાર, અમેરિકામાં ચાર ઘર
- રૂ. 259 કરોડની સંપત્તિના માલિક કરનૈલસિંહે આપના સત્યેન્દ્ર જૈનને હરાવ્યા
- રૂ. 92.36 લાખની જંગમ, રૂ. 258 કરોડની સ્થાવર સંપત્તિ, હરિયાણામાં 60 કરોડનું ફાર્મ હાઉસ ધરાવે છે
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં આપની હાર અને ભાજપની જીત થઇ છે. ભાજપના વિજેતા ઉમેદવાર કરનૈલસિંહ તમામ ઉમેદવારોમાં સૌથી ધનવાન છે. કરનૈલસિંહ પાસે અમેરિકામાં ચાર ઘર, લાખો રૂપિયાની જ્વેલરી છે. તેમના સોગંદનામા મુજબ તેઓ માત્ર ૧૦ ધોરણ જ પાસ છે. તેઓએ આગળ કોઇ શિક્ષણ નથી મેળવ્યું.
ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ભાજપના વિજેતા ઉમેદવાર કરનૈલસિંહે પોતાની પાસે ૨૫૯.૬૭ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું. સંપત્તિ પર નજર કરીએ તો તેમની પાસે ૧.૩૨ લાખ રૂપિયા રોકડા, ૨૭.૫૯ લાખ રૂપિયા બેંકમાં ડિપોઝિટ છે. જ્યારે ૨૫ લાખનો જીવન વીમો લીધેલો છે. જ્વેલરી અને સોનાની કિમત મળીને ૩૮.૪૫ લાખ રૂપિયા છે. કુલ જંગમ સંપત્તિ ૯૨.૩૬ લાખની છે જ્યારે ૨૫૮ કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમની પાસે હરિયાણામાં ૬૦ કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ છે.
તેઓ અમેરિકાના વોશિંગ્ટનમાં તેમજ કેલિફોર્નિયામાં અને હરિયાણામાં ૧૯૮ કરોડ રૂપિયાના મકાન ધરાવે છે. જેમાંથી ચાર ઘર અમેરિકામાં છે. એડીઆરની રિપોર્ટ મુજબ ભાજપના બીજા સૌથી ધનવાન ઉમેદવાર મનજિંદરસિંહ સિરસા છે જેમની પાસે ૨૪૮.૮૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ દિલ્હીના રાજૌરી ગાર્ડનથી ચૂંટણી લડયા હતા. જ્યારે કરનૈલસિંહે શકુર બસ્તી બેઠક પરથી આપના સત્યેન્દ્ર જૈન સામે ૧૮૮૬૩ મતોથી જીત મેળવી છે. હાલ સૌથી ધનવાન ઉમેદવારોમાં ભાજપના આ બન્ને ઉમેદવારોની વધુ ચર્ચા છે.