છત્તીસગઢમાં 3 મહિલા સહિત 10 નક્સલી ઠાર, ચાર મહિનામાં 89નો સફાયો
- સોમવારે રાત્રે શરૂ કરાયેલા ઓપરેશનનો સવારે અંત
રાયપુર : છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો, આ દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ ૧૦ નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ આ જાણકારી આપી હતી. છેલ્લા ૧૫ દિવસમાં નક્સલીઓ સામે સુરક્ષા દળોની આ બીજી મોટી કાર્યવાહી છે. શર્માએ દાવો કર્યો હતો કે નક્સલીઓ સામેના ઓપરેશનમાં આ મોટી સફળતા છે.
છત્તીસગઢન પોલીસના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, સુરક્ષા દળોની ટુકડી નક્સવાદ વિરોધી ઓપરેશન માટે નિકળી હતી, આ દરમિયાન નક્સલીઓના ગઢ ગણાતા એક વિસ્તારમાં કાકુર અને ટેકમેટા ગામોમાં વહેલી સવારે નક્સલીઓ અને સુરક્ષા દળો બન્ને વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. આ ઓપરેશન સોમવારે રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. જેનો સવારે અંત આવ્યો હતો. આ ઓપરેશનમાં કુલ ૧૦ નક્સલીઓ માર્યા ગયા છે. જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
સુરક્ષાદળોમાંથી કોઇ આ ઓપરેશન દરમિયાન ઘાયલ ન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહો ઉપરાંત એક એકે-૪૭ રાઇફલ અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન બદલ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી શર્માએ સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે તેમણે દાવો કર્યો હતો કે અમે કોઇ પણ સંગઠન સાથે વીડિયો કોન્ફરંસથી વાતચીત કરવા માટે તૈયાર છીએ. અમે નક્સલીઓને અપીલ કરીએ છીએ કે તેઓ હથિયારો છોડીને મુખ્ય પ્રવાહમાં આવવાનો પ્રયાસ કરે. અમે બસ્તકમાં શાંતિ ઇચ્છીએ છીએ. આ એન્કાઉન્ટર સાથે આ વર્ષે માત્ર બસ્તર વિસ્તારમાં જ ૮૯ નક્સલીઓ માર્યા ગયા છે. બસ્તરમાં આશરે નવ જેટલા જિલ્લા છે. આ પહેલા ૧૬મી એપ્રીલના પણ ૨૯ નક્સલીઓ માર્યા ગયા હતા. લોકસભાની ચૂંટણી સમયે સુરક્ષા દળો દ્વારા હાલ નક્સલીઓ સામે મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.