Get The App

આ 10 એપ્સ તમારા મોબાઈલમાં પણ હોય તો તાત્કાલિક ડિલીટ કરી દેજો, નહીંતર ખાતું ખાલી થઈ જશે

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
આ 10 એપ્સ તમારા મોબાઈલમાં પણ હોય તો તાત્કાલિક ડિલીટ કરી દેજો, નહીંતર ખાતું ખાલી થઈ જશે 1 - image


Image Source: Freepik

Fraud Mobile APP: ગુરુગ્રામ પોલીસે રોકાણના નામે નફાની લાલચ આપી ઠગાઈ કરતી 10 એપ્સનો ખુલાસો કર્યો છે. ગુરુગ્રામ પોલીસે લોકોને આ એપ્સથી સાવધાન રહેવાની સલાહ આપતા કહ્યું કે, વધુ નફો મેળવવાના ચક્કરમાં આ એપ્સની જાળમાં ન ફસાવો. પોલીસ અધિકારીઓએ એન્ડ્રોઈડ અને આઈફોન પર ચાલતી આ એપ્સને બંધ કરાવવાની કામગીરી હાથ ધરી છે. 

 ત્રણ મહિનામાં લગભગ 80 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ

ગુરુગ્રામ પોલીસના રેકોર્ડ પ્રમાણે છેલ્લા છ મહિનામાં લગભગ બે હજાર લોકો સાથે ઠગાઈની ઘટના બની છે. છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 80 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ એપ્સ દ્વારા કેટલા લોકો અને કેટલી રકમની ઠગાઈ કરવામાં આવી છે. હાલમાં આ એપ્સ દ્વારા ઠગાઈના સેંકડો મામલા સામે આવ્યા બાદ ગુરુગ્રામ પોલીસે લોકો તેની જાળમાં ન ફસાઈ તે માટે આ એપ્સને લઈને એક એડવાઈઝરી જારી કરી છે. લોકોને વિનંતી કરી છે કે, વધુ નફાના ચક્કરમાં પોતાના જીવનની બચતનું આ એપ્સ દ્વારા રોકાણ ન કરવું. ગુરુગ્રામ પોલીસ ગુગલ પ્લે સ્ટોર અને આઈફોન પર ચાલતી આ એપ્સને બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ 10 એપ્સથી દૂર રહો

ગુરુગ્રામ પોલીસે Ve Pro, Angelbg, Anglone, MGBWNFMI, Vikinginvest, Khakhla, Levelk, Upstok, Wells Capital Trade, DNP Agency એપથી દૂર રહેવાની સલાહ આપી છે. પોલીસે આ એપ્સને તમારા મોબાઈલમાં ડાઉનલોડ ન કરવા વિનંતી કરી છે. જો આ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવી.

રોકાણ કરતા પહેલા આ એપ્સની તપાસ કરવી

ગુરુગ્રામ પોલીસે અપીલ કરી છે કે લોકોએ કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા આ એપ્સની તપાસ કરવી જોઈએ. વધુ નફાના ઈ-મેઈલ, કોલ અને મેસેજથી દૂર રહો. રોકાણ કરતા પહેલા કંપનીનું રજીસ્ટ્રેશનની જાણકારી અવશ્ય લેવી. પ્લે સ્ટોર પર Play Protect ફીચરનો ઉપયોગ કરો. જો તમે કોઈ રીતે કોઈ રોકાણ યોજનામાં ફસાઈ જાઓ તો www.cybercrime.gov.in અથવા હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરો. આ એપ્સના સંપર્કમાં આવ્યા બાદ તેને નેગેટિવ રિપોર્ટ આપવાની સાથે તરત જ બ્લોક કરો.



Google NewsGoogle News