મોદીના 10 વર્ષના શાસનમાં 10 કાયદાને સુપ્રીમમાં પડકાર
મોદી સરકારે લાગુ કરેલા ચાર મહત્ત્વના કાયદામાંથી 2 કાયદા સુપ્રીમે રદ કરી નાખ્યા
બાંધારણ સાથે ચેંડા થયા હોય અથવા તો બંધારણને અસર થતી હોય તેવા કિસ્સામાં સુપ્રીમ કાયદો રદ કરવાના સત્તા ધરાવે છે
Supreme Court : મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલું વક્ફ અમેડમેન્ટ બિલ જેને રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી તે હવે સુપ્રીમ કોર્ટમાં અટવાયું છે. લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે બિલ પસાર કરાયા બાદ તરત જ ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. આ બિલ કાયદો બની ગયું હતું પણ ત્યારબાદ આ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થવા લાગી હતી. અરજદારો દ્વારા આ કાયદો બંધારણના અધિકારોનો ભંગ હોવાનો અને બંધારણને અસર કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી તથા કિશનગંજના કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ કાયદો રદ કરવા માટે અરજી કરવામાં આવી છે.
બે સાંસદો ઉપરાંત 70 લોકો કાયદા વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા
આ બંને સાંસદો ઉપરાંત અન્ય 70 લોકો દ્વારા કાયદાની વિરુદ્ધ સુપ્રીમના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. તેના પગલે સુપ્રીમ દ્વારા તાજેતરમાં સુનાવણી હાથ ધરીને આ કાયદાનું અમલીકરણ હાલ પૂરતું અટકાવી દીધું છે. આ કેસમાં પાંચમી મેના રોજ વધુ સુનાવણી થશે. મહત્ત્વની વાત એ છે કે, આ પહેલી વખત થયું નથી. કેન્દ્રમાં 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા મુદ્દે સરકારના કાયદા સામે લોકો પડ્યા છે અને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કેટલાક મુદ્દે સરકાર ભીંસમાં આવી હતી તો કેટલાકમાં સરકારને ફેરફાર કરવાની જરૂર પડી નહોતી.
છેલ્લાં એક દાયકામાં 10થી વધારે કાયદાને કોર્ટમાં પડકારાયા
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જારી કરાયેલા કાયદાનો વિરોધ કરવો કે તેની વિરુદ્ધ કોર્ટમાં જવું તે આ પહેલી ઘટના નથી. છેલ્લાં એક દાયકામાં 10થી વધારે કાયદાને લોકો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. બંધારણીય અધિકારોનો ભંગ, બંધારણને હાની, મૌલિક અધિકારોનો ભંગ, લોકોના હક અને ફરજોમાં હસ્તક્ષેપ અને બીજા ઘણા મુદ્દે મોદી સરકારના કાયદાને લોકોએ કોર્ટમાં પડકાર્યા છે. સુપ્રીમ કોર્ટ મોટાભાગના મુદ્દામાં સંતુલન જાળવવા માટે આગળ આવી હતી અને એક રક્ષક તરીકે કામગીરી કરી હતી. છેલ્લાં 11 વર્ષમાં ચાર કાયદા એવા પણ આવ્યા જેની સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી. તેમાંથી બે કાયદાને સુપ્રીમે બહાલી આપી જ્યારે બે કાયદાને રદ કરવામાં આવ્યા અને સરકારે તે આદેશ માનવો પણ પડ્યો. હવે પાંચમો કાયદો સુપ્રીમની એરણે ચડ્યો છે.
સુપ્રીમને બંધારણ મુદ્દે વિશેષાધિકાર અપાયો છે
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમે તાજેતરમાં વક્ફ સુધારા કાયદાને અટકાવી દીધો છે. આ કાયદા મુદ્દે સુપ્રીમમાં થયેલી અરજીની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે, આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી વક્ફ સુધારા બિલ લાગુ નહીં કરી શકાય કે તેને સંલગ્ન કોઈ કામગીરી નહીં કરી શકાય. સવાલ એ થાય કે, સંસદમાં પસાર થયેલો અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયેલો ખરડો જ્યારે કાયદો બને તો સુપ્રીમ તેને રદ કરી શકે છે. તેનો જવાબ છે હા. મહત્ત્વની વાત એ છે કે, બંધારણની સાથે ચેડાં થયા હોય અથવા તો કાયદા થકી બંધારણના અધિકારોને હાની પહોંચતી હોય કે બંધારણને અસર થતી હોય તો તેવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી શકે છે અને જરૂર પડ્યે કાયદો પણ રદ કરી શકે છે. કાયદા વિરુદ્ધ જ્યારે અરજી થાય ત્યારે અરજદારે સાબિત કરવું પડે કે, કાયદો બંધારણનો ભંગ કરે છે અથવા તો બંધારણની મૂળ ભાવના સાથે ચેડાં કરે છે તો સુપ્રીમ કાયદો રદ કરવાનો આદેશ પણ આપી શકે છે. ભારતના બંધારણ ઉપર જોખમ જણાતું હોય ત્યારે તેનું રક્ષણ કરવાની અને તેના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટને અપાયેલી છે. તેના કારણે બંધારણીય બાબતોમાં કાયદો ખોટો હોય તો સુપ્રીમ કોર્ટ તેને અટકાવી કે રદ કરી શકે છે.
ફરિયાદીએ બંધારણને થતું નુકસાન સાબિત કરવું પડશે
જાણકારોના મતે વક્ફ અમેન્ડમેન્ટ બિલ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી સ્વીકારાઈ છે અને હવે સુપ્રીમ તપાસ કરશે અને ખરાઈ કરશે કે કોઈપણ રીતે આ કાયદા દ્વારા દેશના બંધારણને નુકસાન ન પહોંચતું હોય. આ કાયદા દ્વારા બંધારણને કે બંધારણની જોગવાઈને નુકસાન થતું હશે તો સુપ્રીમ દ્વારા પગલાં લેવામાં આવશે. જાણકારોના મતે, તેનો સીધો અર્થ એટલો જ થાય છે કે, બંધારણને નુકસાન થતું હોય ત્યારે સુપ્રીમ કોર્ટ કોઈપણ કાયદો ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરી શકે છે. અહીંયા સૌથી મોટી બાબત એ પણ છે કે, જ્યારે કોઈ કાયદાની વિરુદ્ધ અરજી કરવામાં આવે છે ત્યારે અરજદારે સાબિતી આપવી પડે છે કે, આ કાયદા દ્વારા બંધાણની જોગવાઈને, બંધારણીય અધિકારનો ભંગ થઈ રહ્યો છે. બંધારણની મૂળ ભાવના સાથે ચેડાં થતા હોય કે, તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોય જેવી બાબતો પણ અરજદારે સાબિત કરવી પડે છે. આ સંજોગોમાં સુપ્રીમ આવા કાયદા રદ કરતી હોય છે.
વક્ફ કાયદાને આ મુદ્દાઓના આધારે પડકારાયો
વક્ફ સુધારણા કાયદાને બંધારણના અનુચ્છેદ 25 એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો ભંગ માનવામાં આવે છે. આ અનુચ્છેદમાં કહેવાયું છે કે, ભારતની દરેક વ્યક્તિને પોતાના અંતરાત્મા કહે તે પ્રમાણે ધર્મનું પાલન કરવાનો, પોતાની પરંપરાઓનું પાલન કરવાનો, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર છે. તે ઉપરાંત કોઈપણ ધાર્મિક પ્રથા, કોઈપણ આર્થિક કામગીર, રાજકીય કામગીરી, ધાર્મિક કામગીરી કે પછી ધર્મનિરપેક્ષ કામગીરીઓને નિયંત્રિત કરવાનો કે અટકાવી દેવાનો કોઈને અધિકાર નથી. આ અનુચ્છેદ હેઠળ વ્યક્તિની ધાર્મિક માન્યતાઓ, સંપત્તિ, સંસ્થાઓ વગેરેનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. આ સંજોગોમાં વક્ફ સુધારણા કાયદો વક્ફ સંપત્તિઓનું સંચાલન અટકાવતું હશે કે તેમાં ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ થતો હશે તો સુપ્રીમ તેની ગંભીર નોંધ લેશે. આ ઉપરાંત અરજદારોએ એવું પણ જણાવ્યું છે કે, આ કાયદો અનુચ્છેદ 26નો પણ ભંગ કરે છે. આ આર્ટિકલ 26 લોકોને ખાસ કરીને ધાર્મિક સમુદાયોને તેમના ધાર્મિક સંગઠનો બનાવવાનો, તેનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. નવો કાયદો તેમની પાસેથી આ અધિકાર છિનવી રહ્યો હોવાનું તારણ છે. તે સિવાય લઘુમતીઓના અધિકારો ઉપર તરાપ મારવી તે આર્ટિકલ 29 અને આર્ટિકલ 30નો પણ ભંગ થતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આર્ટિકલ 370 અને સીએએ મુદ્દે સુપ્રીમનો સરકારને સાથ
સુપ્રીમ કોર્ટ દ્વારા કાયમ કેન્દ્ર સરકારના નિયમો કે કાયદાને રદ કરવામાં આવ્યા હોય તેવું નથી. કેટલાક એવા કાયદા અને નિર્ણયો હતા જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો. તેમાં કેટલાક સૂચનો કર્યા હોય પણ કાયદા રદ કર્યા નહોતા. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરવામાં આવી ત્યારે ઘણા લોકો અને નેતાઓ આ મુદ્દે કાયદાનો વિરોધ કરવા અને ન્યાય મેળવવા સુપ્રીમના દ્વારે પહોંચી ગયા હતા. સુપ્રીમે ત્યારે તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો. તે સમયે આદેશ કર્યો હતો કે, સરકાર ઝડપી કામગીરી કરે અને જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો આપે. તે ઉપરાંત ત્યાં ચૂંટણી પણ કરાવી દે. આ સિવાય મોદી સરકારનો બહુચર્ચિત નિર્ણય સીએએનો કાયદો હતો, જેનો ખૂબ જ વિરોધ થયો હતો. સુપ્રીમની સુનાવણી દરમિયાન 4-1ની બહુમતી સાથે સીએએને માન્ય રાખવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા 6-એની કાયદેસરતાને પડકારવામાં આવી હતી તે પણ ફગાવી દેવાઈ હતી. આ કેસમાં ચુકાદો આવ્યો નથી પણ સરકારના મુદ્દાઓને યથાવત રાખવામાં આવ્યા છે.
ઇલેક્ટોરલ બોન્ડ અટકાવી દેવાયા, કૃષિ કાયદો રદ કરાયો
સુપ્રીમ દ્વારા મોદી સરકારને કેટલાક કાયદા મુદ્દે મોટો ઝાટકો પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય ફંડ ભેગા કરવાની વૃત્તિને ખોટી ઠેરવીને ઇલેક્ટોરલ બોન્ડને અટકાવી દેવાયા હતા. સુપ્રીમે જણાવ્યું હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ હેઠળ મળતા ફંડની માહિતી ગુપ્ત રાખવી આર્ટિકલ 19(1)(એ)નો ભંગ ગણાય છે. તેના ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તે સમયે સ્ટેટ બૅન્કને તમામ ઇલેક્ટોરલ બોન્ડની વિગતો આપવાનો આદેશ કરાયો હતો. તેવી જ રીતે સુપ્રીમ કોર્ટે 2021માં ખેડૂત ઉપજ વ્યાપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) અધિનિયમ, આવશ્યક વસ્તુ(સુધારણા) કાયદો તથા મૂલ્ય આશ્વાસન કાયદો રદ કરી દીધો હતો. સુપ્રીમે ત્યારે ટિપ્પણી કરી હતી કે, આ કાયદો ખેડૂતો નહીં પણ કોર્પોરેટને ફાયદો કરાવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. તેનાથી ખેડૂતોને મળતા ટેકાના ભાવની સુરક્ષા ઉપર ખતરો ઊભો થાય તેમ છે. તેના કારણે કેન્દ્રનો કાયદો રદ કરીને આ મુદ્દે નિર્ણય કરવાનો અધિકાર રાજ્યોને હોવાનું જણાવીને તેમને નિર્ણય લેવા આદેશ કર્યો.
આ પણ વાંચો : 'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી', ઓવૈસીના પ્રહાર