દિલ્હીમાં ભીષણ આગની બે ઘટનામાં સાત બાળકો સહિત 10નાં મોત

Updated: May 26th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ભીષણ આગની બે ઘટનામાં સાત બાળકો સહિત 10નાં મોત 1 - image


બેબી કેર હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા આગ લાગી

હોસ્પિટલ ઉપરાંત નજીક આવેલી બેન્ક, દુકાન અને બે બુટિક સુધી આગ ફેલાઇ, ૧૨ બાળક રેસ્ક્યૂ કરાયા, પાંચની સ્થિતિ ગંભીર

નવી દિલ્હી: દિલ્હીના વિવેક વિહારમાં બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા સાત બાળકોના મોત નિપજ્યા હતા. રાત્રે ૧૧.૩૦ કલાકે બેબી કેર હોસ્પિટલમાં લાગેલી આગ બાદમાં ઇમારતના અન્ય ભાગોમાં ફેલાઇ ગઇ હતી. આગ લાગતા જ ફાયર સ્ટેશનથી ૧૬ વાહનને આગ બુજાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બે માળની બિલ્ડિંગમાં ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક સિનિલ્ડરમાં વિસ્ફોટ થયો હતો. જેને કારણે સમગ્ર ઇમારતમાં આગ લાગી હતી. જ્યારે ભારે નુકસાન પણ થયું હતું. 

આગ અને વિસ્ફોટને કારણે હોસ્પિટલની આસપાસ આવેલી બેંક અને દુકાનને પણ ભારે નુકસાન થયું હતું. ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ, બે બુટિક, એક બેંક અને દુકાનનો હિસ્સો પણ લપેટમાં આવી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલમાં સાત બાળકોના મોત નિપજ્યા છે. જેને કારણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના માટે જે પણ લોકો જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે અને આકરી કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  

હોસ્પિટલની આસપાસના લોકોએ દાવો કર્યો હતો કે હોસ્પિટલમાં  ગેરકાયદે ઓક્સિજન સિલિન્ડર ભરવામાં આવતા હતા, સ્થાનિક રહેવાસી મુકેશ બંસલે કહ્યું હતું કે અમે આ મામલે પ્રશાસનને ફરિયાદ કરી હતી જોકે તેમ છતા કોઇ જ કાર્યવાહી નહોતી કરવામાં આવી. ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અમારે થોડુ દુર રહેવા જવુ પડયું હતું.   બીજી તરફ દિલ્હી પોલીસે હોસ્પિટલના માલિક નવીન કીચીની ધરપકડ કરી હતી. દિલ્હી ફાયર સ્ટેશનના ચીફ અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન હોસ્પિટલમાં અનેક બાળકો હતા, જોકે અમારી ટીમે ૧૨ બાળકોને રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. જ્યારે સાત બાળકો મોતને ભેટયા હતા. 

હોસ્પિટલની આસપાસ ઘણા વાયરો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મોટી અડચણ ઉભી થઇ હતી. સ્થાનિકો દ્વારા આ સમગ્ર ઘટનાના વીડિયો પણ લેવામાં આવ્યા હતા. હાલ પાંચ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી કેટલાક ગંભીર રીતે દાજી ગયેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત બાળકોને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન દિલ્હીમાં જ કૃષ્ણા નગર વિસ્તારમાં ચાર માળની એક ઇમારતમાં આગ લાગી હતી જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા જ્યારે એક ગંભીર રીતે ઇજા પામ્યો છે. મૃતકોમાં ૬૬ વર્ષના વૃદ્ધ મહિલા, ૧૮ વર્ષનો એક યુવક અને ૩૯ વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. આગ એટલી ફેલાઇ ગઇ હતી કે ૧૪ વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા. દરમિયાન છ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા. રાજકોટમાં બનેલી ઘટનાની સાથે દિલ્હીની આ ઘટના પણ હાલ ચર્ચામાં છે.   


Google NewsGoogle News