ત્રણ રાજ્યોમાં ધારાસભ્ય બનેલા ભાજપના 10 સાંસદ, મંત્રીઓના રાજીનામા
- નરેન્દ્ર તોમર, પ્રહ્લાદ પટેલ રાજ્ય સરકારોમાં સામેલ થઇ શકે છે
- દિયા કુમારી, રાજ્યવર્ધન, કિરોડીલાલ, ઉદય પ્રતાપે સાંસદપદ છોડયું, રેણુકાસિંહ, બાલકનાથ પણ રાજીનામુ આપશે
નવી દિલ્હી : રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ ટિકિટ આપવામાં આવી હતી. જે પણ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો વિજેતા જાહેર થયા છે તેમણે મંત્રીપદ અને સાંસદપદેથી રાજીનામુ આપી દીધુ છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદ પટેલે લોકસભામાંથી રાજીનામુ આપ્યું છે. ભાજપે કુલ ૧૨ સાંસદોને ટિકિટ આપી છે, જેઓ ચૂંટણી જીતી ગયા છે. લોકસભાના સભ્યપદેથી રાજીનામા બાદ તેઓ સરકારમાં સામેલ થાય તેની પુરી શક્યતાઓ છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જે ૧૨ સાંસદો જીત્યા છે તેમાંથી ૧૦ સાંસદોએ લોકસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે. જેમાં બે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહ્લાદ પટેલનો પણ સમાવેશ થાય છે. અન્ય બે સાંસદો કેન્દ્રીય મંત્રી રેણુકાસિંહ અને મહંત બાલકનાથ પણ સાંસદપદેથી રાજીનામુ આપશે. અન્ય જે પણ સાંસદોએ રાજીનામુ આપ્યું છે તેમાં મધ્ય પ્રદેશથી રાકેશસિંહ, ઉદય પ્રતાપસિંહ, રિતિ પાઠક, રાજસ્થાનથી કિરોડીલાલ મીણા, દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, છત્તીસગઢનથી ગોમતી સાઇ અને અરુણ સાનોનો સમાવેશ થાય છે. જોકે કિરોડીલાલ મીણા રાજ્યસભાના સાંસદ છે જ્યારે અન્ય તમામ લોકસભાના સાંસદ છે.
આ તમામ મંત્રીઓ અને સાંસદોમાંથી બે નામોની ચર્ચા છે, એક છે નરેન્દ્રસિંહ તોમર અને બીજા પ્રહ્લાદ પટેલ, નરેન્દ્રસિંહ તોમરને મધ્ય પ્રદેશમાં મોટુ પદ આપવામાં આવી શકે છે. જ્યારે પ્રહ્લાદ પટેલ ઓબીસી સમાજ સાથે જોડાયેલા હોવાથી તેમને પણ નવી સરકારમાં સ્થાન આપીને ઓબીસી મતદારોને આકર્ષવાનો પ્રયાસ થઇ શકે છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે આ સ્થિતિ વચ્ચે ત્રણ રાજ્યોમાં જે નવી સરકાર બનશે તેમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ એવી રીતે પસંદ કરવામાં આવશે કે જેનાથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં પણ ફાયદો થઇ શકે.