'કોરોનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનોને મળશે 1-1 કરોડ', દિલ્હીમાં CM આતિશીની જાહેરાત
Image: Facebook
CM Atishis Big Announcement: દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનારા પાંચ લોકોના પરિજનોને 1-1 કરોડ આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી આતિશીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા દિલ્હી સરકાર કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર 92 લોકોના પરિજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય રકમ આપી ચૂકી છે.
મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે 'દિલ્હીના લોકોએ કોરોના મહામારી દરમિયાન પોતાના જીવની ચિંતા કર્યાં વિના માનવતા અને સમાજની રક્ષા કરવાનું કામ કર્યું અને પોતાના જીવનનું બલિદાન આપ્યુ. દિલ્હી સરકાર તેમના જુસ્સાને સલામ કરે છે.'
કોરોના મહામારી સમગ્ર માનવતા માટે એક ભયાનક સંકટ
સીએમે વધુમાં જણાવ્યું કે, 'આ રકમથી દિવંગત લોકોના પરિવારની ખોટ તો પૂરી કરી શકાતી નથી પરંતુ તેમના પરિવારને એક સન્માનજનક જીવન જીવવાનો દ્વાર જરૂર મળશે. કોરોના મહામારી સમગ્ર માનવતા માટે એક ભયાનક સંકટ હતું. આ સંકટે તમામના મનમાં ડર પેદા કર્યો હતો પરંતુ આપણા ઘણા લોકોએ પોતાના જીવને જોખમમાં નાખીને દિલ્હીને આ સંકટથી ઉગારવાનું કામ કર્યું. જેમાં ડોક્ટર, મેડિકલ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, સફાઈ-કર્મચારીઓ સહિત હજારો લોકોએ દિવસ-રાત કામ કરીને આ મહામારી સામે લડવાનું કામ કર્યું અને ઘણાં લોકો આની ચપેટમાં પણ આવી ગયા અને પોતાનો જીવ ગુમાવી બેઠા. સરકાર હંમેશા આ લોકોના પરિવારની સાથે ઊભી છે.'