સલમાન ના ફાર્મમાં ઘૂસી ગયેલા યુવકો પંજાબ પોલીસના ચોપડે ગુનેગાર

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
સલમાન ના ફાર્મમાં ઘૂસી ગયેલા યુવકો પંજાબ પોલીસના ચોપડે ગુનેગાર 1 - image


સલમાનને પંજાબના ગેંગસ્ટર તરફથી ધમકીઓ મળેલી છે

સ્થાનિક ગેંગ સાથે લડાઈ બાદ મુંબઈ ભાગી આવ્યા હતા , અહીં રહેવા માટે બનાવટી આધારકાર્ડ બનાવ્યું

મુંબઇ :  સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસમાં ઘૂસણખોરી કરનારા બે યુવકનો બોલીવૂડના સુપર સ્ટારને મારી નાખવાની ધમકી આપતી ગેંગ સાથે કોઈ સંબધ ન હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે, પરંતુ પંજાબમાં ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાનું કહેવાય છે. સ્થાનિક ગેંગ સાથેની લડાઈ બાદ ભાગીને મુંબઈ આવ્યા હતા.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ અગાઉ અનેક વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય સલમાન પર હુમલો કરવા તેના પનવેલના ફાર્મહાઉસની રેકી પણ કરવામાં આવી હતી.

ગત ૪ જાન્યુઆરીના સલમાનના ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કરવા બદલ પંજાબના અજેશકુમાર ઓમપ્રકાશ ગીલા (ઉં. વ. ૨૩) અને ગુરુસેવક સિંહ તેજસિંહ (ઉં. વ. ૨૩)ને ઝડપી લેવામાં આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડે તેમને પકડીને પોલીસના તાબામાં સોંપી દીધા હતા. પોલીસે બન્ને સામે કલમ ૪૪૮, ૪૬૫, ૪૬૭, ૪૭૪ હેઠળ કેસ નોંધ્યો હતો.

પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ પાટીલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે '૧ જાન્યુઆરીના સવારે બન્ને યુવક મુંબઈ આવ્યા હતા. પંજાબમાં સ્થાનિક ગેંગ સાથે તેમની લડાઈ થી હતી. આ મામલામાં સરપંચે મધ્યસ્થી કરી હતી. તેમને સમજાવ્યા હતા. આથી કદાચ પોલીસ કાર્યવાહી થઈ નહોતી. બન્ને ભાગીને મુંબઈ પહોંચી ગયા હતા. પણ મુંબઈમાં રહેવા માટે આધારકાર્ડ જરૃરી હોવાની તેમને જાણ થઈ હતી. તેઓ આધારકાર્ડ ભૂલી ગયા હતા. આથી તેમણે મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ પરથી વ્યક્તિના આધારકાર્ડમાં ફેરબદલ કરી પોતાના ફોટા લગાડી દીધા હતા. આમ બન્નેએ બનાવટી આધારકાર્ડ બનાવ્યા હતા.

તેઓ બે દિવસ મુંબઈમાં જુદા જુદા સ્થળે ફરવા ગયા હતા. અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૃખ ખાન, જોન અબ્રાહ્મના નિવાસ સ્થાને પણ ગયા હતા. તેમના ઘરની બહાર સેલ્ફી પણ લીધી હતી. બન્ને યુવકના મોબાઇલ ફોનમાં આ ફોટા મળી આવ્યા હતા.

તેઓ સલમાન ખાનને મળવા માગતા હતા. જેના કારણે ચોથી  જાન્યુઆરીના પનવેલમાં અભિનેતાના ફાર્મ હાઉસમાં પહોંચી ગયા હતા.

પોલીસે બન્નેને નોટિસ આપી પૂછપરછ કરી છોડી દીધા છે.

સલમાન ખાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા તેની સુરક્ષા વધારી દીધી હતી.

અભિનેતા પિતા અને જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર સલી ખાનને પણ અગાઉ ધમકીનો પત્ર મળ્યો હતો. આ બાબતે બાંદરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.



Google NewsGoogle News