કુર્લામાં સંબંધીઓ વચ્ચે બોલાચાલી બાદ યુવકની હત્યા
- ઈન્દિરા નગરમાં એકઠા થયેલા સંબંધીઓ બાખડયા
- હુમલામાં ત્રણ ઘાયલઃ સાત આરોપીઓમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ
મુંબઈ : કુર્લામાં બોલાચાલી બાદ સંબંધીઓએ કરેલા હુમલામાં ૨૪ વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આ મામલામાં સાત આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૨ (હત્યા) અને ૩૦૭ (હત્યાના પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે 'કુર્લાના ઇન્દિરા નગર વિસ્તારમાં આ ઘટના બની હતી.
પોલીસે આ સંબંધમાં ત્રણ મહિલા સહિત સાત આરોપીની ધરપકડ કરી છે. હુમલામાં અદનાન સલીમ કુરેશીનું મોત થયું હતું. જ્યારે આરીફ ઉમર ખાન (ઉં.વ. ૨૯) ઇમરાન સલીમ કુરેશી (ઉં. વ. ૧૯), આસિફ ઉમર ખાન (ઉં. વ. ૨૬) જખમી થયા હતા.
આરોપીઓ અને પીડિત એકબીજાના સંબંધી છે. આરોપીઓ આરીફના કાકાના ઘરે આવ્યા હતા. તેમના વચ્ચે બોલાચાલી બાદ મામલો વધુ બિચક્યો હતો. આરોપીઓએ હુમલો કરતા ચાર જણ જખમી થયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.