ચાલુ ટ્રેને લૂંટારાઓ દ્વારા યુવકની હત્યાઃ છ કલાક સુધી મદદ મળી નહીં
- સિકંદરાબાદથી દિલ્હી જતી ટ્રેનના જનરલ કોચમાં લોહિયાળ ખેલ
- મોબાઈલ-રોકડ ચોરવાના પ્રયાસનો પ્રતિકાર કરતાં ઢોરમાર માર્યોઃ આરપીએફ આવે તે પહેલાં યુવકનું મોતઃ રેલવે પરિજનોને વળતર આપશે
મુંબઈ : દક્ષિણ એક્સપ્રેસ ટ્રેનમાં ગુરુવારે મોડી રાત્રે ચાર લૂંટારાઓએ પચ્ચીસ વર્ષના યુવકને લૂંટવાના પ્રયાસમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હઝરત નિઝામુદ્દીન જનારી ટ્રેનના જનરલ કોચમાં આ ઘટના બની હતી. લૂંટારાઓએ મૃતકના મિત્રને પણ લોહીલૂહાણ કરી મૂક્યો હતો. પ્રવાસીઓથી ભરચક કોચમાં હત્યાનો બનાવ બની ગયો જેની જાણ રેલવેને છ કલાક બાદ થઈ હતી. આ વાતે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓની સેફ્ટીનો મુદ્દ ઉઠયો છે.
ખેતરમાં મજૂરી કરતો યુવક શશાંક રાજ નેતા મિત્ર કપિલકુમાર સાથે ઝાંસી જવા સિકંદરાબાદથી દક્ષિણ એક્સપ્રેસમાં ચઢ્યો હતો. બન્ને મિત્રો જનરલ કોચના ટોઇલેટ પાસે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ સૂતા હતા ત્યારે ચાર જણની ટોળકીએ કપિલના ખિસ્સામાંથી મોબાઇલ અને ૧૭૦૦ રૂપિયા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન જાગી ગયેલા કપિલે તરત બૂમાબૂમ કરી મૂકી હતી. તે સમયે ટ્રેન તેલંગણાના મંચેરિયલ સ્ટેશન નજીક હતી. કપિલે બૂમો પાડવાથી ચારેય લૂંટારાઓ તેના પર ત્રાટકી પડયા હતા. જેને બચાવવા શશાંકે મારપીટમાં ઝંપલાવ્યું તો ચારેય જણ મળીને શશાંક પર હુમલા કરવા લાગ્યા હતા. ૩૦ મિનિટ સુધી મારપીટ ચાલતી રહી, બાદમાં જનરલ કોચના અન્ય પ્રવાસીઓએ હસ્તક્ષેપ કર્યો હતો.
લૂંટારાઓ સાથે ચાલેલી મારપીટમાં શશાંકને ગંભીર આંતરિક ઇજાઓ થઈ હતી. ટોઇલેટમાં સવારે ૬.૩૦ વાગ્યે ગયા બાદ તેને લોહીની ઉલટીઓ થઈને તે ઢળી પડયો હતો. છેક ૭.૧૫ વાગ્યે આરપીએફ જવાનો ઇજાગ્રસ્તની મદદે આવ્યા હતા. જેમને પેન્ટ્રી કારના એક કર્મચારીએ જાણકારી આપી હતી. તે વખતે ટ્રેન વર્ધા સ્ટેશન વટાવી ગઈ હતી. બાદમાં નાગપુર સ્ટેશને ટ્રેન ૧૦.૩૦ વાગ્યે પહોંચ્યા બાદ તેને દોઢ કલાક સુધી અટકાવી રખાઈ હતી. કારણ કે મૃત્યુ પામેલા શશાંકને પંચનામા માટે લઈ જવાયો હતો તથા હોસ્પિટલની એક ટીમ ફરોન્સિક પુરાવા જમા કરવા આવી હતી. નિવેદનો નોંધાવા જેવી કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.
રેલવે સત્તાવાળાઓ મૃતકના પરિવારજનોને દોઢ લાખ રૂપિયા વળતર ચૂકવશે. ઉપરાંત ઘટનાની તપાસ બાદ આરપીએફએ સૈયદ સમીર (૧૮), મોહમ્મદ હાસીમુદ્દીન (૧૯), એમ કોટેશ્વર રાવ અને એક સગીરને શંકાના આધાર ે સેવાગ્રામ સ્ટેશન ક્રોસ કર્યા બાદ કસ્ટડીમાં લીધા હતા. આરોપીઓ સિકંદરાબાદ સ્ટેશનેથી ટ્રેનમાં ચઢ્યા હતા અને નાગપુર ઉતરવાના હતા.