પ્રેમિકા પર છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ યુવકની આત્મહત્યા
મૂળ ઝારખંડનો યુવક એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરવા મુંબઈ આવ્યો હતો
ફલેટ ખરીદવાના નામે યુવતીએ 12 લાખ લીધા હતા, પરત મેળવવા કોર્ટમાં કેસ કર્યો તો મુંબઈ બોલાવી મારપીટ કરી
મુંબઇ : ચેમ્બુરના ફ્લેટમાં ઝારખંડના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તેણે ફેસબુક લાઇવ કરી એક યુવતી અને તેના કુટુંબીજનો પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ કરી જીવન ટુંકાવી લીધું હતું.
મૂળ ઝારખંડના હજારીબાગનો સંદીપ પાસવાન હાલમાં ચેમ્બુરમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. વર્ષ ૨૦૧૮થી તેની સપના સાથે મિત્રતા હતી. પછી બંને એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં સપનાએ ફ્લેટ ખરીદવાના બહાને સંદીપ પાસેથી રૃા. ૧૨.૫ લાખ લીધા હતા. થોડા દિવસ બાદ સંદીપને તેની વર્તણૂક પર શંકા ગઇ હતી. આથી તેણે પૈસા પાછા માંગ્યા હતા.
૧૪ જૂન, ૨૦૨૩ના સપનાના પરિવારે સંદીપને મુંબઇ બોલાવી પૈસા લઇ જવા કહ્યું હતું. તે મુંબઇ આવ્યો ત્યારે યુવતીના પરિવારે તેની મારપીટ કરી હતી. નહેરુનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ સંદીપે પોતાના બેંક સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજોના આધારે હજારીબાગ કોર્ટમાં સપના અને તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી. અહીં પોલીસે તેના મામલાને ગંભીરતાથી ન લીધો હોવાનો આરોપ સંદીપે કર્યો હતો.
બીજી તરફ સપનાના પરિવારજનો કેસ પાછો ખેંચી લેવા પૈસા પરત નહીં કરવા વારંવાર ધમકીઓ આપતા હતા.
ચેમ્બુરના ફ્લેટમાંથી ગઇકાલે સવારે સંદીપે ફેસબુક લાઇવ કરી પોતાની વ્યથા જણાવી હતી. તેણે શરીર પર ઇજાના નિશાન, ફાટી ગયેલ ટી- શર્ટ દાખવી યુવતીના કુટુંબીજનોએ મારપીટ કરી હોવાનું કહ્યું હતું. યુવતીના પરિવાર દ્વારા આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. લાઇવ વીડિયોમાં તેણે માનસિક ત્રાસથી કંટાળી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ વીડિયો જોયા બાદ સંદીપના સંબંધી અને મિત્રોએ તરત પોલીસને માહિતી આપી હતી. પોલીસ તેના ફ્લેટમાં ગઇ હતી. પરંતુ તે પહેલા જ સંદીપે ગળાફાંસો ખાઇ લીધો હતો.