Get The App

થાણેમાં પત્ની, બે બાળકોની હત્યા કરનારા યુવકની હરિયાણાથી ધરપકડ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
થાણેમાં પત્ની, બે બાળકોની હત્યા કરનારા યુવકની હરિયાણાથી ધરપકડ 1 - image


- સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં પગેરું મળ્યું

- પત્ની પતિથી કંટાળીને દિયરના ઘરે રહેવા આવી જતાં રોષ ઠાલવ્યો

મુંબઇ : થાણેમાં ક્રિકેટ બેટથી પત્ની, છ વર્ષીય પુત્રી, આઠ વર્ષના પુત્રની હત્યા કરી નાસી ગયેલા યુવકની હરિયાણાના હિસારમાંથી ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. હરિયાણાના ખરડાલીપુરમાં અગાઉ આરોપી અમિત બાગડી (ઉ.વ.૨૯) તેની પત્ની ભાવના (ઉ.વ.૨૪) અને છ વર્ષીય પુત્રી ખુશી, આઠ વર્ષના પુત્ર અંકુશ સાથે રહેતો હતો. પતિ અમિતની દારૂ પીવાની ટેવ અને વારંવાર ઝઘડાથી પત્ની કંટાળી ગઈ હતી. આથી ભાવના તેને છોડીને થાણેના કાસરવડવલીમાં રહેતા દિયર વિકાસના ઘરે રહેવા આવી ગઈ હતી, તેના પુત્ર, પુત્રી પણ અહીં રહેતા હતા. ૧૩ ડિસેમ્બરના પુત્રનો જન્મ દિવસ હતો. પરિવારને મળવા અમિત થાણે આવ્યો હતો. થોડા દિવસની તે અહીં રોકાયો હતો. ૨૧ ડિસેમ્બરના સવારે ભાઈ વિકાસ રાબેતા મુજબ હાઉસકીપિંગના કામ માટે ગયો હતો. તે લગભગ સવારે ૧૧.૩૦ વાગ્યે ઘરે પાછો આવ્યો હતો. ત્યારે ઘરમાં ભાભી અને બે બાળકોની લાશ લોહીના ખાબોચીયામાં મળી હતી. તેમની પાસે લાકડાનું ક્રિકેટ બેટ પડેલું હતું. આરોપી અમિત ક્રિકેટ બેટથી હુમલો કરી પત્ની, પુત્ર, પુત્રીની હત્યા કરી પલાયન થઈ ગયો હતો. પોલીસે ત્રણ જણના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી કેસ નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શિવરાજ પાટીલે જણાવ્યું હતું કે 'આરોપીને પકડવા પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી. પોલીસની ટીમે સીસીટીવી ફુટેજ, ટેકનિક્લ વિશ્લેષણ અને અન્ય માહિતીના આધારે તપાસ કરતા આરોપી અમિત તેના મૂળ વતન હરિયાણાના હિસારમાં હોવાનું માલૂમ પડયું હતું. આમ પોલીસે હિસાર જઈ તેને ઝડપી લીધો હતો. તેને પકડીને થાણે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘરેલું ઝઘડાને લીધે આ ઘટના બની હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News