તમારો પુત્ર બળાત્કારના કેસમાં પકડાયો છે, તેની સામે એફઆઇઆર નોંધાઇ રહી છે
સાયબર ફ્રોડસ્ટરોની નવી મોડ્સ ઓપરેન્ડી
પોલી બની આ પ્રકારની ધમકી આપી પ્રોડસ્ટરો રૃપિયા પડાવી રહ્યા છે
મુંબઇ : સાયબર ફ્રોડસ્ટરો લોકોને છેતરવા નીત-નવા તુક્કા અને યુક્તિઓ અજમાવી રહ્યા છે, જોબ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, કુરિયર/પાર્સલમાં ડ્રગ્સ, કેવાયસી અપડેટ તેમજ વિજળીનું બિલ ભર્યુ ન હોવાનું જણાવી લોકોને છેતરતા ફ્રોડસ્ટરોએ હવે એક નવો તુક્કો આજમાવ્યો છે છેલ્લા થોડા સમયથી આ લોકો ફોન કરનાર વ્યક્તિ અને તેના પુત્રની માહિતી કાઢી સંબંધિત વ્યક્તિને ફોન કરી તેમનો પુત્ર બળાત્કાર કેસમાં પકડાયો હોવાનું અને તેની સામે એફઆઇઆર નોંધાઇ રહી હોવાનું જુઠ્ઠાણું ચલાવી છેતરપિંડી કરી રહ્યા છે. આ પ્રકારે દક્ષિણ મુંબઇની એક વ્યક્તિ સાથે છેતરપિંડી થયા બાદ હવે કાજુરમાર્ગમાં રહેતા એક શિક્ષકને આવોજ ફોન કરી ફ્રોડસ્ટરોએ દોઢ લાખની રકમ પડાવી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર કેન્દ્રીય શાળામાં કામ કરતા એક શિક્ષકનો પુત્ર યુ.પી.ની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે. ૧૬ માર્ચના અચાનક તેમના મોબાઇલ પર અજાણ્યો નંબર ફલેશ થયો હતો. શિક્ષકે ફોન ઉપાડતા પ્રથમ સામેની વ્યક્તિએ તેમનું નામ પૂછી ખરાઇ કરી હતી અને પછી તેમના પુત્રનું નામ કહી કહ્યું હતું કે તેઓ સીબીઆઇના અધિકારી છે અને તેમનો પુત્ર બળાત્કારના કેસમાં પકડાયો છે. આ વાત સાંભળી શિક્ષકને જોરદાર આંચકો લાગ્યો હતો. આ વ્યક્તિએ આગળ જણાવ્યું હતું કે કોલેજના અમૂક વિદ્યાર્થીઓ બળાત્કારના કેસમાં પકડાયા છે અને તેમા તેમનો પુત્ર પણ સામેલ છે. જો તેની સામે ગુનો ન નોંધાય તેવું ઇચ્છતા હોય તોપૈસા આપવા પડશે. શિક્ષકે ત્યાર બાદ પુત્ર સામે ગુનો ન નોંધવાના કાલા-વાલા કર્યા હતા અને અંતે શિક્ષકે દોઢ લાખ રૃપિયા ઓનલાઇન મોકલી આપ્યા હતા. જોકે શિક્ષક પુત્રને ફોન કરી વાતની ખરાઇ કરવાનું ચૂકી ગયા હતા.
આ પૈસા ઓનલાઇન મોકલી આપ્યા બાદ પણ શિક્ષકને વધુ પૈસા મોકલી આપવાના ફોન આવતા શિક્ષકે પુત્રને વીડિયો કોલ કરી વધુ વાત જાણવાનો પ્રયત્ન કરતા તેણે આવી કોઇ ઘટના બની જ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું અને તે હોસ્ટેલમાં અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાને લીધે પોતાની સાથે ઠગાઇ હોવાનું જણાતા શિક્ષકે કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
આ પહેલા આવીજ એક ઘટના દક્ષિણ મુંબઇમાં રહેતા એક વેપારી સાથે બની હતી જેમાં ફ્રોડસ્ટરોએ વેપારીને ફોન કરી તેમનો પુત્ર બળાત્કારના કેસમાં પકડાયો હોવાનું જણાવી તેને છોડાવવા ૫૦ હજારની માગણી કરવામાં આવી હતી. વેપારીએ તરત તેમના પુત્રને ફોન કર્યોહતો જો કે તે કોલેજના લેકચરમાં હાજર હોવાથી તેણે ફોન ઉપાડયો નહોતો. તેથી વેપારીને ધ્રાસકો પડયો હતો અને ખરેખર પુત્રની ધરપકડ થઇ હોવાનું માની તેમણે ૫૦ હજાર રૃપિયા મોકલી આપ્યા હતા. જોકે થોડા સમય બાદ પુત્રએ ફોન કરતા ફ્રોડ થયું હોવાનું બહાર આવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાઓ બાદ પોલીસે આવા ફોન આવે તો સતર્ક રહેવાનું લોકોને સૂચન કર્યું છે.