એકતરફી પ્રેમમાં યુવકે આપઘાતની ધમકી આપતાં યુવતીનો ગળેફાંસો
- છત્રપતિ સંભાજી નગરમાં હોસ્ટેલમાં આપઘાત
- તું મારી સાથે વાત નહીં કર તો ઈલેક્ટ્રિક થાંભલા પર ચઢીને મરી જઈશ તેવી ચિમકી આપી હતી
મુંબઇ : ઉરણ હત્યાકાંડની હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે છત્રપતિ સંભાજી નગરમાં આવો જ એક ચોંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક તરફી પ્રેમમાં યુવક દ્વારા તું મારી સાથે ફોન પર વાત કરીશ કે નહીં, જો તુ મને નહીં મળે તો હું ઈલેક્ટ્રીક થાંભલા પર ચઢીને મોતને ભેટીંશ આવા ધમકીભર્યા ફોન કરાતા બીએચએમએસમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય યુવતીએ માનસિક તાણ વધતા હોસ્ટેલ રુમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે યુવક સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના છત્રપતિ સંભાજી નગરના એન પાંચ સિડકો વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં પ્રકાશમાં આવી હતી. જેમાં ગાયાત્રી બાબાસાહેબ દાભાડે (ઉં.વ. ૨૧) એ આત્મહત્યા કરી હતી.
આ ઘટના બાદ ગાયત્રીની માસીએ ગજાનન સૂર્યવંશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાયત્રી સિડકો એન પાંચ વિસ્તારમાં આવેલી વિજયશ્રી કોલોનીમાં હોસ્ટેલમાં રહીને બીએચએમએસમાં અભ્યાસ કરતી હતી. આ વખતે આ જ ગામનો રહેવાસી દત્તુ બાબાસાહેમ ગાયકે ગાયત્રીને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો અને ફોન પર ધમકીઓ આપતો હતો કે, જો તું મારી સાથે ફોન પર વાત નહી કરીશ, જો તું મને નહીં મળે તો હું ઈલેક્ટ્રીક થાંભલા પર ચઢીને જીવનનો અંત લાવીશ.
દત્તુના આવા સતત ધમકીભર્યા ફોનથી કંટાળી જતા માનસિક તાણ વધતા ગાયત્રીએ હોસ્ટેલ રુમમાં પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.
ફરિયાદના આધારે સિડકો પોલીસે આ મામલે દત્તુ સામે ભારતીય ન્યાય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.