મહિલાને આંખ મારવા બદલ યુવક કસૂરવાર, જોકે કોઈ સજા ન ફટકારાઈ
કરિયાણું આપવા ઘરે આવેલા ૨૨ વર્ષના યુવકનું કૃત્ય
આરોપીની વય અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાની નોંધ લઈ પ્રોબેશનનો લાભ અપાયો
મુંબઈ : મહિલાને આંખ મારીને તેનો હાથ પકડીને વિનયભંગ કરવા બદલ ૨૨ વર્ષના યુવાનને કોર્ટે કસૂરવાર ઠેરવ્યો હતો પરંતુ તેની વયને અને કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતો નહોવાની બાબતને ધ્યાનમાં રાખીને સજા કરવાનો ઈનકાર કર્યો હતો.
મેજિસ્ટ્રેટ આરતી કુલકર્ણીએ નિરીક્ષણ કર્યું હતું કે આરોપી મોહમ્મદ કૈફ ફકીર જન્મટીપથી ઓછી સજાને પાત્ર નથી પણ તેની ઉંમર અને પાર્શ્વભૂમિને ધ્યાનમાં રાખીને તેને પ્રોબેશનનો લાભ આપવો જોઈએ. ૨૨ ઓગસ્ટે આદેશ આપ્યો હતો જેમાં કોર્ટે જણાવ્યું હતું કે મહિલાને થયેલા માનસિક પરિતાપ અને સતામણીને કોર્ટ અવગણી શકે નહીં, પણ આરોપીને સજા આપતાં સમાજમાં તેની છાપ અને ભવિષ્ય પર અસર થઈ શકે છે. કોર્ટે ફકીરને રૃ. ૧૫ હજારના બોન્ડ પર મુક્ત કરીને જ્યારે બોલાવે ત્યારે પ્રોબેશન ઓફિસર સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું.
ભાયખલા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ અનુસાર એપ્રિલ ૨૦૨૨માં મહિલાએ સ્થાનિક દુકાનમાંથી કરિયાણું મગાવ્યું હતું અને આરોપી તે દુકાનમાં કામ કરતો હતો અને ફરિયાદીના ઘરે માલ આપવા આવ્યો હતો. આરોપીએ પીવાનું પાણી માગ્યું હતું પાણીનો ગ્લાસ લેતી વખતે આરોપીએ મહિલાના હાથને અયોગ્ય સ્પર્શ કરીને આંખ મારી હતી.
કરિયાણાની થેલી આપતી વખતે બીજી વાર પણ તેણે હાથનો સ્પર્શ કરીને આંખ મારી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપી નાસી ગયો હતો. મહિલાએ તેના પતિને બનાવની જાણ કરતાં પોલીસ ફરિયાદ થઈ હતી. આરોપીએ દાવો કર્યો હતો કે ભુલમાં હાથ અડી ગયો હતો અને વિનયભંગનો કોઈ ઈરાદો નહોતો. કોર્ટે જોકે જણાવ્યું હતું કે પીડિતા અને આરોપી જ બનાવ વખતે હાજર હતા, પુરાવા અને મહિલાનું નિવેદન આરોપીની સંડોવણી માટે પુરતા છે.