મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં યમદૂતના ધામાઃ હવે નાગપુરમાં 24 કલાકમાં 23નાં મોત

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં યમદૂતના ધામાઃ હવે નાગપુરમાં 24 કલાકમાં 23નાં મોત 1 - image


નાંદેડની સરકારી હોસ્પિટલમાં વધુ  6 મોત સાથે મૃત્યુઆંક 37 થયો 

સરકારની આરોગ્ય સેવા સામે લાપરવાહીની વિપક્ષોની ટીકા, પરંતુ અધિકારીઓનો બેડની ક્ષમતા બતાવીને લૂલો બચાવ

મુંબઇ :  મહારાષ્ટ્રમાં સરકારી લાપરવાહીથી હોસ્પિટલોમાં દર્દીઓનાં મોતનો સિલસિલો હજુ યથાવત છે. એક તરફ નાંદેડમાં ૨૪ કલાકમાં વધુ છ  દર્દીનાં મોત થયાં છે બીજી તરફ નાગપુરની બે સરકારી હોસ્પિટલોમાં પણ ૨૪ કલાકમાં ૨૩ દર્દીઓએ દમ તોડયો હોવાની વિગતો બહાર આવી છે. રાજ્ય સરકાર હજુ પણ દવાઓ કે તબીબી સ્ટાફની કોઈ અછત નહીં હોવાના ગાણાં ગાઈ રહ્યાં છે. હોસ્પિટલના સત્તાધીશો એવા દાવા કરી રહ્યા છે કે મોટાભાગના દર્દીઓ લાસ્ટ સ્ટેજના હતા અને આ આંકડો રોજના સરેરાશ મોત કરતાં થોડોક જ વધારે છે. પરંતુ, દેશભરમાં મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓ પડી ભાંગી હોવાનો મુદ્દો વધારેને વધારે ચગી રહ્યો છે. 

નાંદેડમાં વિતેલા ૨૪ કલાકમાં શંકરરાવ ચવ્વાણ સરકારી હોસ્પિટલમાં વધુ છ દર્દી મૃત્યુ પામ્યા હોવાનું સરકારી તંત્રએ સ્વીકાર્યું હતું. મૃત્યુ પામેલામાં અધૂરા માસે જન્મેલાં બે શિશુઓનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે જણાવ્યું હતું. અન્ય ચાર દર્દીનાં મોત કીડની ફેઈલ થવાથી તથા મલ્ટી ઓર્ગન ફેઈલ્યોર સહિતનાં વિવિધ કારણોથી થયાં છે. હોસ્પિટલમાં  છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૨૧ દર્દી દાખલ થયા છે અને હાલ કુલ ૮૨૩ દર્દી સારવાર લઈ રહ્યા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર સરકારી તંત્ર હવે દવાઓના જથ્થા સહિતની સુવિધાઓ માટે દોડધામ કરી રહ્યું છે. કેટલાક રાજકીય નેતાઓ પણ દવાનાં બોક્સ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા 

નાંદેડનો વિવાદ  યથાવત છે ત્યાં નાગપુર જિલ્લાની જુદી જુદી બે  સરકારી હોસ્પિટલમાં  ૨૪ કલાકમાં ૨૩ મોત થયાનું બહાર આવ્યું છે. એક હોસ્પિટલમાં ૧૪ તથા બાજી હોસ્પિટલમાં નવ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.  જોકે, હોસ્પિટલના અધિકારીઓ મોતની આ સંખ્યા ખાસ મોટી નહીં હોવાનું પુરવાર કરવા આંકડા રજૂ કરી રહ્યા છે. નાગપુર સ્થિત સરકારી મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ (જી.એમ.સી.એચ)માં આજે સવારે આઠ વાગ્યે સમાપ્ત થતા ૨૪ કલાકમાં ૧૪ દરદીના મોત થયા છે. જી.એમ.સી.એચના ડીન ડો. રાજ ગજભિયેએ જણાવ્યું હતું કે હોસ્પિટલની ક્ષમતા ૧૯૦૦ બેડની છે. સરારેશ દરરોજ દસથી ૧૨ દરદીઓનું મોત થાય છે. આથી, આ સંખ્યા ખાસ મોટી નથી. 

તેમણે કહ્યું હતું કે મોટાભાગે લાસ્ટ સ્ટેજ પર રહેલા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં આવે છે. મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવે છે.  ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ (આઇ.જી.એમ.સી.એચ)ના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ગત ૨૪ કલાકમાં નવ દરદીના મોત થયા હતા. આ દરદીઓ ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. એમાં કેટલાક દરદીને વેન્ટિલેટરના સપોર્ટની જરૃરત હતી. આ હોસ્પિટલમાં ૮૦૦ બેડની ક્ષમતા છે. અહીં સરેરાશ દરરોજ છ દરદીઓના મોત થાય છે. અધિકારીએ બચાવ કરતાં કહ્યું કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો અને વિવિધ સુવિધા ઉપલબ્ધ છે.

બીજી તરફ દેશભરમાં મહારાષ્ટ્રની  જાહેર આરોગ્ય સેવાઓ કથળી હોવાની વ્યાપક ટીકા થઈ રહી છે. અનેક વિપક્ષ્ી દળો ઉપરાંત હેલ્થ ે એક્ટિવિસ્ટ દ્વારા જાહેર આરોગ્ય ક્ષેત્રની ઉપેક્ષાની ટીકા થઈ રહી છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર બચાવની ભૂમિકામાં આવી ગઈ છે. જોકે, હજુ સુધી ખુદ સીએમ ક ે બેમાંથી એક પણ નાયબ મુખ્યપ્રધાને પણ હોસ્પિટલની રુબરુ મુલાકાતે જવાનું પસંદ  કર્યું નથી.   

ડોક્ટરોની નિષ્કાળજીથી મેં  સંતાન ગુમાવ્યુંઃ  પિતાનો આરોપ

બાળકનું વજન ઓછું હોવાની ડોક્ટરોની દલીલ ફગાવી

મુંબઈ - નાંદેડમાં મૃત્યુ પામેલાં એક શિશુના પિતાનો વીડિયો વાયરલ થયો છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરોની બેદરકારીને લીધે મેં બાળક ગુમાવ્યું છે. 

નાગેશ સોલંકે નામના શખસે જણાવ્યું હતું કે તેની પત્નીએ ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર પછી બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. બાળકનું વજન જરાય ઓછું નહોતું, માત્ર સારવારમાં ડોક્ટરોની બેદરકારીને લીધે તેનું મૃત્યુ થયું હતું.

સોલંકેએ ચોઘાર આંસુએ રડતા ે જણાવ્યું હતું કે મારું બાળક એકદમ સ્વસ્થ હતું, વજન પણ બરાબર હતું, કોણ જાણે કેવી રીતે મૃત્યુ થયું એ જ સમજાતું નથી. સિઝેરિયનથી પ્રસૂતિ કરવામાં આવતા મારી પત્નીની તબિયત પણ બગડી છે. મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું છે. 

નાંદેડ હોસ્પિટલના વોર્ડમાં ભૂંડ રખડે છે, બાથરુમમાં પાણી પણ નહીં 

નાંદેડના સ્થાનિક અહેવાલો અનુસાર સરકારી હોસ્પિટલમાં જાણે કોઈ ધણીધોરી ન હોય તેવી સ્થિતિ છે. હોસ્પિટલનાં પ્રાંગણમાં ભુંડ દોડતાં હોય છે. આ ભુંડ કેટલીયવાર હોસ્પિટલ સંકુલમાં પ્રવેશી જાય છે. હોસ્પિટલના પ્રાંગણ તથા ઈમારતોની આસપાસ ખુલ્લામાં ગંધાતું પાણી વહેતું હોય તેવું જોવા મળે છે. તંત્ર બે હજાર કરોડનાં દવાનાં બજેટની વાત કરે છે પરંતુ વાસ્તવમાં હોસ્પિટલના શૌચાલયમાં પાણી જ નથી. મોટાભાગના નળ તૂટી ગયેલી હાલતમાં છે.



Google NewsGoogle News