વધુ 2 ઈંચ ઊંડો ઘા હોત તો સૈફને કાયમી લકવો થઈ જવાનું જોખમ હતું
સૈફ આઈસીયુમાંથી બહાર, હોસ્પિટલમાં તેને વોક પણ કરાવાયું
2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળશે પરંતુ બેડરેસ્ટની જરુર પડશે, મુલાકાતીઓ પર પ્રતિબંધ
મુંબઈ - બાંદરાના નિવાસસ્થાનમાં ઘૂસી ધારદાર શસ્ત્રથી હુમલો કરાતા ગંભીરપણે જખમી થયેલા બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનની તબીયત ખૂબ સારી છે. અને બેથી ત્રણ દિવસમાં કદાચ તેમને રજા આપવામાં આવશે, એમ ડોક્ટરોએ શુક્રવારે જણાવ્યું હતું. જોકે, ડોક્ટરોએ એમ પણ જણાવ્યું હતું કે સૈફને કરોડરજ્જુ પાસે જ ચાકુનો ઊંડો ઘા મારવામાં આવ્યો હતો. જો આ ઘા વધુ બે ઈંચ જેટલો ઊંડો હોત તો તેને કાયમી પેરેલિસિસ થઈ જવાનું પણ જોખમ હતું. સદભાગ્યે સૈફ એ જોખમમાંથી ઉગરી ગયો છે. ૫૪ વર્ષીય સૈફના ઘરમાં ઘૂસી આરોપીએ ધારદાર શસ્ત્રથી છ વાર કર્યા હતા. જેના લીધે ગંભીર ઇજા થતા ખાન પર લિલાવતી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે તેને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યાથી સતત સ્પાઈનલ ફ્લુઈડ નીકળી રહ્યું હતું. તેને રોકવા માટે તત્કાળ ઓપરેશન કરવું પડયું હતું. સ્પાઈન પાસે જ ચાકુનો અઢી ઈંચનો ટૂકડો ફસાયેલો હતો. તેને કાઢવા માટે પાંચ કલાક ઓપરેશન ચાલ્યું હતું. ગઈ મોડી રાતે લાંબા સમય સુધી સૈફ બેહોશ જ હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે સૈફ હોસ્પિટલમાં ચાલતો ચાલતો જ આવ્યો હતો. તેણે સ્ટ્રેચરનો ઉપયોગ કર્યો ન હતો. એક સિંહની જેમ મર્દાનગીથી તે ચાલ્યો હતો. તેની સાથે ત્યારે તેનો આઠ વર્ષનો પુત્ર તૈમુર પણ હતો.
ડોેક્ટરોની એક ટીમે સૈફ અલી ખાનની તપાસ કરી છે. તબીયત સારી હોવાથી તેમને આઇસીયુમાંથી સ્પેશિયલ રૃમમાં ખસેડી રહ્યા છીએ સૈફ અલી ખાનને બે હાથ, ગરદનની જમણી બાજુએ ઇજા થઇ હતી. કરોડરજ્જુમાં ધારદાર શસ્ત્રનો અમૂક હિસ્સો તૂટી ગયો હતો. સદનસીબે તેનાથી કરોડરજ્જુને વધારે નુકસાન થયું નહોતું. આ ધારદાર શસ્ત્રના ટુકડાને બહાર કાઢવામાં આવ્યો છે. આજે અમે સૈફને ચાલવા માટે કહ્યું હતું. ત્યારે તે બરાબર ચાલી શક્યો હતો. તેને નિયમિત આહાર આપવામાં આવી રહ્યો છે. અમે તેમની આઇસીયુમાંથી વિશેષ રૃમમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. એમ તેમણે કહ્યું હતું.
અમે તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે. અમારી અપેક્ષા મુજબ તેમની તબીયત સારી થઇ રહી છે. અમે તેમની બેડ રેસ્ટની સલાહ આપી છે. જો તેમની તબીયત સુધારા પર હશે તો બેથી ત્રણ દિવસમાં અમે રજા આપી દઇશું, એમ લીલાવતી હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. નિતિન ડાંગેએ જણાવ્યું હતું.
કરોડરજ્જુની ઊંડી ઇજાને લીધે તેમને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સૈફને આરામ મળે માટે અંગત પરિવારજનો સિવાય કોઈને પણ મુલાકાતની છૂટ અપાશે નહિ.