બોરીવલીમાં પાલખ તૂટતાં 16મા માળેથી શ્રમિકો પટકાયાઃ 3નાં મોત
સોની વાડી ખાતે 24 માળની ઈમારતનું કામ ચાલતું હતું
ગંભીર રીતે ઘવાયેલો 1 શ્રમિક આઈસીયુમાં : બેદરકારી દાખવાઈ હતી કે કેમ તે એંગલથી તપાસ કરાશે
મુંબઇ : બોરીવલીમાં નવી બંધાતી બિલ્ડિંગમાં લોખંડનો માંચડો તૂટી પડતા ૧૬ માળેથી નીચે પડી ગયેલા ત્રણ કામદાર મોતને ભેટયા હતા. જ્યારે એક મજૂરને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે મામલાની નોંધ લઇ આ ઘટનામાં કોઈની બેદરકારી હતી કે કેમ તે અંગે તપાસ શરુ કરી છે.
બોરીવલી (પશ્ચિમ) સ્થિત કલ્પના ચાવલા ચૌક, સોની વાડી ખાતે ૨૪ માળના બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બિલ્ડિંગમાં કામ કરવા લોખંડનો માંચડો બાંધવામાં આવ્યો છે. આ માંચડા પર ઉભા રહીને આજે બપોરે એક વાગ્યે મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક માંચડો ધરાશાયી થઇ ગયો હતો. ૧૬માં માળેથી કામદાર મનોરંજન સામતદાર (ઉ.વ.૪૨), પિયુષ હલધર (ઉ.વ.૪૨), શંકર બૈદ્ય (ઉ.વ.૨૬), સુશિલ ગુપ્તા (ઉ.વ.૩૬) નીચે પટકાયા હતા.
આ બનાવની માહિતી મળતા ફાયરબ્રિગેડ, પોલીસ અને પાલિકા કર્મચારી ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. લોખંડના માંચડા નીચે દબાઇ ગયેલા કામદારોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
પરંતુ મનોરંજન, શંકર, પિયુષનું મોત નિપજ્યું હતું. જ્યારે સુશિલની હાલત ગંભીર હોવાથી આઇસીયુ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર નિનાદ સાવંતે જણાવ્યું હતું કે હાલ આ ઘટનામાં ત્રણ મજૂરોના મૃત્ બાબતે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે.