મુંબઈ સેફ છે તેવા ભરોસાથી મહિલાઓ રાતે ટ્રેનમાં પ્રવાસ કરે છેઃ હાઈકોર્ર્ટ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
મુંબઈ સેફ છે તેવા ભરોસાથી મહિલાઓ રાતે ટ્રેનમાં પ્રવાસ કરે છેઃ હાઈકોર્ર્ટ 1 - image


દાદર સ્ટેશને મહિલાની છેડતીના કૃત્યને અતિ ગંભીર ગણાવ્યું

મહિલાની છેડતી કરનાર જેલમાં જવાને જ લાયક છે એમ કહી  લંપટ આરોપીને નીચલી કોર્ટે ફરમાવેલી સજામાંથી રાહત આપવા ઈનકાર

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે દાદર સ્ટેશને ૨૦૧૭માં એક યુવતીની છેડતીના કસૂરવાર આરોપીને વચગાળાની રાહત નકારી છે. હાઈકોર્ટે આ ચુકાદો આપતાં કહ્યું છે કે મુંબઈ મહિલાઓ માટે સલામત શહેર છે એમ માનીને યુવતીઓ મોડી રાત સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હોય છે. આ બાબતને જોતાં યુવતીની છેડતીના કિસ્સાને હળવાશથી લઈશકાય નહીં. આ આરોપી જેલમાં રહેવાને જ લાયક છે. 

આરોપીનું કૃત્ય ચોક્કસપણે યોગ્ય સજાને પાત્ર છે. તેનું કૃત્ય ગંભીરતાથી જોવું જોઈએ. મુંબઈ મહિલાઓ માટે સલામત ગણાય છે અને ઘણી મહિલાઓ ભયમુક્ત થઈને મધરાત સુધી પ્રવાસ કરતી હોય છે, એમ ન્યા. ભારતી ડાંગરેએ નોંધ કરી હતી.

આરોપી મયુર ઘનકુટકરે કરેલી અપીલમાં કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું. આરોપીને જુલાઈ ૨૦૧૯માં મેજિસ્ટ્રેટે કસૂરવાર ઠેરવીને છ મહિનાની જેલની સજા સંભળાવી હતી. ૨૬ સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટે પણ મેજિસ્ટ્રેટનો આદેશ બહાલ કર્યો હતો.

આરોપી મયુરે આ સજા સામે અપીલ કરી હતી તે દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે મહિલાઓની છેડતીનો મુદ્દો બહુ ગંભીર છે. તેમાં પણ મુંબઈ જેવાં શહેરમાં મહિલાઓ એવી ધરપત સાથે જ મોડે સુધી ટ્રેનમાં પ્રવાસ કરતી હોય છે કે આ શહેર સલામત છે. આ જોતાં રેલવે સ્ટેશને છેડતીની બાબતને બહુ જ ગંભીર ગણવી જોઈએ. નીચલી અદાલતે આ મામલાની પૂરેપૂરી ગંભીરતાથી નોંધ લઈ આરોપીને સજા ફટકારી છે તે યોગ્ય જ છે. 

મયુરને ૨૦૧૯માં મેજિસ્ટ્રેટ કોર્ટે છેડતી માટે કસૂરવાર ઠેરવી છ માસની કેદની સજા ફટકારી હતી. તે પછી સેશન્સ કોર્ટે પણ આ ચુકાદાને બહાલ રાખ્યો હતો. જોકે, ટ્રાયલ દરમિયાન આ સજાનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને મયૂર જામીન પર મુક્ત હતો.


Google NewsGoogle News