ફલાઈટ પકડતાં પહેલાં કસૂવાવડ થતાં એરપોટના ટોઈલેટમાં મૃત શિશૂ મૂકી દીધું હતું
- ડસ્ટબિનમાં મૃત શિશુ -મૂકી ગયેલાં માતા-પુત્રીની ભાળ મળી
મુંબઈ : મુંબઈ એરપોર્ટના ટોઈલેટમાં આવેલ કચરાના ડબ્બામાં થોડા દિવસો પહેલાં પોલીસને એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસે આ ઘટના બાદ ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે આ કેસની તપાસ આદરી શંકાસ્પદ માતા- પુત્રીને શોધી કાઢયા હતા.
પાલઘરની ૧૬ વર્ષની તરુણી પર બળાત્કાર થયા બાદ સગર્ભા બની હતી, રાંચી ફલાઈટમાં બેસવા આવ્યાં ત્યારે કસૂવાવડ થઈ
પોલીસ સૂત્રોનુસાર ૧૬ વર્ષની સગીરા ઘટના સમયે સાત મહિનાની ગર્ભવતી હતી અને મુંબઈથી રાંચી પ્લેનમાં જતા પહેલાં તેને એરપોર્ટ પર કસુવાવડ થતા તેની માતાએ નવજાત મૃત શિશુનો ટોઈલેટના ડસ્ટબિનમાં નિકાલ કરી દીધો હતો. પોલીસે આ ઘટના બાદ વધુ તપાસ હાથ ધરી તેઓ મુંબઈ આવતા નોટિસ જારી કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સગીરા પર પાલઘરમાં બળાત્કાર થયા બાદ તે સગર્ભા બની હતી.
આ સંદર્ભે વધુ વિગતાવુસાર મુંબઈ એરપોર્ટના ટી-૨ ટર્મિનલના એક ટોઈલેટમાંથી પોલીસને એક મૃત શિશુ ડસ્ટબિનમાંથી મળી આવ્યું હતું. સહાર પોલીસે વધુ તપાસ હાથ ધરી આ કેસમાં શંકાસ્પદ એક મહિલા અને તેની ૧૬ વર્ષની સગીરા પુત્રીને ઓળખી કાઢી હતી.
પોલીસે આ બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ૧૬ વર્ષની સગીરા સાત મહિનાની ગર્ભવતી હતી અને એરપોર્ટ પર તેની કસુવાવડ થઈ ગઈ હતી. જેના પગલે તેની માતાએ એરપોર્ટના ટોઈલેટના ડસ્ટબીનમાં ગર્ભનો નિકાલ કરી દીધો હતો. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી બન્ને રાંચીમાં શોધી કાઢયા હતા. આ બન્ને મુંબઈ પાછા ફર્યા બાદ તેમને નોટિસ જારી કરવામાં આવી હતી.
પાલઘરના એક પુરુષ દ્વારા સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ છે. જેના કારણે તે ગર્ભવતી થઈ હતી. આરોપી વિરુધ્ધ પોકસો સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ ઘટના બાદ પોલીસ શંકાસ્પદને શોધવા માટે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ, એરલાઈન્સનો રેકોર્ડ અને મુસાફરોની વિગતની સમીક્ષા કરી હતી. જેમાં માતા- પુત્રી બન્ને ટોઈલેટમાં પ્રવેશતા નજરે પડે છે. આ દ્રશ્યમાં સગીરા દેખીતી રીતે વ્યથિત નજરે પડે છે. શનિવારે મુંબઈ પરત ફર્યા બાદ માતા અને પુત્રીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બન્નેએ પોતાનું કૃત્ય કબૂલ્યું હતું. પોલીસે ત્યારબાદ બન્નેને કાનૂની નોટિસ બજાવી હતી. સગીરાની તબીબી તપાસમાં ગર્ભપાત થયો હોવાને સમર્થન મળ્યું છે. ઉત્તર મુંબઈમાં રહેતી સગીરા આરોપી પુરુષ સાથે સંબંધમાં હોવાનું કહેવાય છે. પરિવાર રાંચીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા પરંતુ સગીરાની તબિયત ખરાબ થયા બાદ આ દુઃખદ ઘટના બની હતી.