બાંદરા ટર્મિનસ પર ટ્રેનમાં મહિલા પર બળાત્કારઃ કુલીની ધરપકડ
- સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ બાદ ઝડપાયો
મુંબઈ : બાંદ્રા ટર્મિનસ ખાતે લાંબા અંતરની ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં રેલવે પોલીસે એક કુલીની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
વિગત મુજબ, મહિલા અને તેનો પુત્ર શનિવારે રાત્રે બાંદ્રા ટર્મિનસ ખાતે બહાર ગામની ટ્રેન દ્વારા અહીં પહોંચ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ મહિલા બીજી ટ્રેનમાં પ્રવેશી હતી જે પ્લેટફોર્મની બીજી તરફ હતી.
આરપીએફના જણાવ્યા મુજબ, રાતનો સમય હોવાથી અન્ય ટ્રેનમાં તે સમયે કોઈ મુસાફર ન હતા. જો કે, આ બીજી ટ્રેનમાં એક કુલી હાજર હતો અને તેણે કથિત રીતે પીડીતા પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ ઘટના બાદ કુલી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બાદ મહિલાએ બાંદ્રા જીઆરપી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે આરોપી કુલી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ બળાત્કારનો કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં આરપીએફે આરોપી કુલીની તપાસ માટે અનેક સર્વેલન્સ કેમેરાના ફૂટેજોની તપાસ કરી હતી. આ બાદ બાંદ્રા ટર્મિનસથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે મહિલા બાંદ્રા ટર્મિનસ પર ઉતર્યા બાદ બીજી ટ્રેનમાં કેમ પ્રવેશી હતી તે અંગે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે આ મામલે વધુમાં આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જો કે, આરોપીએ આ અંગે કોઈ વિગતો આપી ન હતી. જીઆરપીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.