જૂનું ફર્નિચર ઓનલાઈન વેચવા જતાં મહિલાએ 6.48 લાખ ગુમાવ્યા
સોશિયલ મિડીયા પર જાહેરાત પોસ્ટ કરી હતી
સાયબર ઠગે મોકલેલો ક્યુઆર કોડ સ્કેન કરતાં જ મહિલાના ખાતામાંથી રકમ ઉપડી ગઈ
મુંબઈ : જોગેશ્વરીમાં ૪૫ વર્ષીય મહિલા પોતાનું જુનુ ફર્નિચર ઓનલાઈન વેચવા જતા તેની સાથે રુ. ૬.૪૮ લાખની સાયબર છેતરપિંડી થઈ હતી. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ૪૫ વર્ષીય મહિલા તેના પરિવાર સાથે જોગેશ્વરી વેસ્ટમાં રહે છે. તેનો પતિ કતારમાં બેંકમાં નોકરી કરે છે. ઘટના અનુસાર, સોમવારે મહિલાએ સોશિયલ મિડીયા પર પોતાનું જૂનું ફર્નિચર વેચવા માટે જાહેરાત પોસ્ટ કરી હતી.
જાહેરાત પોસ્ટ થયાના થોડા સમય બાદ જ એક શખ્સે મહિલાનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે આ ફર્નિચર રુ. ૧૫ હજારમાં ખરીદવા માંગે છે. મહિલા પણ આ ભાવમાં ફર્નિચર વેચવા માટે સંમત થઈ હતી. આ બાદ શખ્સે પ્રથમ મહિલાના એકાઉન્ટમાં પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ આ શખ્સે તેની બાકીની રકમની ચૂકવણી માટે મહિલાના મોબાઈલ પર એક ક્યુઆર કોડ મોકલ્યો હતો અને મહિલાને આ ક્યુઆર કોડ સ્કેન કરવા વિનંતી કરી હતી અને સમજાવ્યું હતું કે, સ્કેન કર્યા બાદ તેના એકાઉન્ટમાંથી પ્રથમ અમુક રકમ ડેબિટ થશે. જો કે, જે પૈસા ટ્રાન્સફર થયા છે તમને થોડા સમય બાદ પરત મળી જશે. વધુમાં સાયબર ઠગે જણાવ્યું હતું કે, જો પૈસા તમારા બેંક એકાઉન્ટમાં પરત નહીં આવે તો હું તમને રોકડમાં આ રકમ ચૂકવી દઈશ.
મહિલાએ સાયબર ઠગ પર વિશ્વાસ કરતા ક્યુઆર કોડ સ્કેન કર્યું હતું. જેમાં મહિલાના એકાઉન્ટમાંથી પ્રથમ રુ. ૧૪૯૯૫ કપાઈ ગયા હતા. આ બાદ, સાયબર ઠગે મહિલાને બીજું ક્યુઆર કોડ મોકલ્યું હતું.તેને સ્કેન કરતા મહિલાના બેંક એકાઉન્ટમાંથી આરોપીએ રુ. ૬.૪૮ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ થોડા જ સમયમાં આરોપીએ પોતાનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી દીધો હતો. તેથી મહિલા તેને સંપર્ક કરવામાં નિષ્ફળ ગઈ હતી.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા મહિલાએ તરત જ ઓશિવરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.