દુબઈમાં એજન્ટ દ્વારા બંધક બનાવેલી મહિલાને બચાવવામાં આવી
પોલીસની ભરોસા સેલની ટીમની મદદથી
પાસપોર્ટ, વિઝા લઈ લીધા, ૪૦-૫૦ મહિલા સાથે હોટેલમાં ગોંધી રાખી, પગાર રોકી દીધો
મુંબઇ: દુબઈમાં એજન્ટ દ્વારા બંધક બનાવવામાં આવેલી ૨૯ વર્ષીય મહિલાને મીરા-ભાઈયંદર વસઈ વિરાર પોલીસની ભરોસા સેલની ટીમે ભારતીય દૂતાવાસના સ્ટાફની મદદથી બચાવી લીધી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એમબીવીવી પોલીસના ભરોસ સેલની મહિલા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તેજશ્રી શિંદેએ કહ્યું હતું કે 'દિલ્હીના એજન્ટ તરુણ (ઉં. વ. ૪૦)એ પીડિતા નયના (નામ બદલ્યુ છે)ને દુબઈમાં હોટેલમાં રિસેપ્શનિસ્ટની નોકરી અને રૂ. ૭૦ હજાર પગાર આપવાના સ્વપ્ન દાખવ્યા હતા. આ એજન્ટ મારફત તે ગત ૮ એપ્રિલના દુબઈ ગઈ હતી.
'દુબઈ પહોંચ્યા પછી એજન્ટે તેના પાસપોર્ટ અને વિઝા લઈ લીધા હતા. તેને ૪૦-૫૦ મહિલા સાથે હોટેલમાં રાખવામાં આવી હતી.
દુબઈમાં થનારી રિસેપ્શનિસ્ટના બદલે અન્ય નોકરી આપવામાં આવી હતી. આમ બેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
પીડિત નયનાની તબિયત સારી નહોતી. તે ભારત પછી આવવા માગતી હતી. પરંતુ એજન્ટે તેને ઓછામાં ઓછા છ મહિના કામ કરવા દબાણ કર્યું હતું. તેનો પગાર પણ રોકી દીધો હતો. સંબંધીઓએ એજન્ટને નયનાને પાછી મોકલવા કહ્યું હતું. એજન્ટે તેમની વાત કાને ધરી નહોતી.
છેવટે ૩ જૂનના આ મામલાની પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસના ભરોસા સેલની ટીમે યોગ્ય ચેનલો દ્વારા દુબઈમાં ભારતીય રાજદૂત સાથે સંપર્ક કર્યો હતો. ત્યાંના અધિકારીઓએ મહિલા કામ કરતી હતી તે હોટેલના માલિક સાથે વાત કરી હતી.
આમ મહિલાનો સંપર્ક કરી તેને સુરક્ષિતપણે પરત ભારતમાં લાવવામાં આવી હતી.