Get The App

નાસિક પાલિકા હોસ્પિટલ કેમ્પસમાં મહિલાએ ગળેફાંસો ખાધો

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
નાસિક પાલિકા હોસ્પિટલ કેમ્પસમાં  મહિલાએ ગળેફાંસો ખાધો 1 - image


- બાળકની ચોરી પછી સતત બીજી ઘટના

- મૃતકની પુત્રી એનિમિયાની સારવાર માટે દાખલ હતીઃ હોસ્પટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

મુંબઇ : નાસિકમાં પાંચ દિવસના બાળકના ચોરાયાની ઘટનાની તપાસ હજુ ચાલુ છે. ત્યારે આજે નાસિક પાલિકા હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી હતી. જેમાં હોસ્પિટલ પરિસરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, નાસિકના સંત કબીર નગરની રહેવાસી પચ્ચીસ વર્ષીય કવિતા અહિવાલનું મોત નીપજ્યું હતું.  પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક અહીં કચરો ઉપાડવાનું કામ કરતી હતી. રવિવારે રજાના દિવસ હોવાથી હોસ્પિટલમાં ઓછી ભીડ હતી. 

જેમાં રાબેતા મુજબ, કવિતા કામ પર આવી હતી. પરંતુ બપોરના એક વાગ્યાની આસપાસ કવિતાએ આરોગ્ય વિભાગની ઓફિસની સામેના વૃક્ષ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

આ ઘટના બાદ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ, નર્સ, ડોક્ટરને આ વાતની જાણ થતા તેઓ તમામ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બાદ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કવિતાને ચાર પુત્રી છે. તેમાંથી તેની ત્રીજી પુત્રી એનિમિયાથી પિડીત હોવાથી આ જ  પાલિકા હોસ્પિટલમાં  સારવાર માટે  દાખલ છે.  તેથી સવારે કવિતા પુત્રીને મળી હતી. બાદમાં બપોરે તે લટકતી અવસ્થામાં મળી આવી હતી. જો કે, મહિલાએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તેનું ચોક્કસ કારણ હજું જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસ મુજબ, દિકરીની બીમારીને કારણે તે હતાશામાં ભસડાઈ પડતા આત્મહત્યા કરી હોવાનું ચર્ચામાં આવ્યું હતું.

નાસિક પાલિકા હોસ્પિટલમાં આ ઘટના બાદ હોસ્પિટલ ફરી ચર્ચામાં આવ્યું હતું .આ ઘટનાના એક દિવસ પહેલા આ જ હોસ્પિટલમાં પાંચ દિવસનું નવજાત બાળક ચોરાયાની ઘટના પણ સામે આવી હતી. જેમાં બાર કલાકની અંદર પોલીસે મહિલાની ધરપકડ કરતા બાળકને સફળ રીતે બચાવી લીધું હતું. સતત  બે દિવસની અંદર આ બીજી ઘટના બનતા હોસ્પિટલ પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News