Get The App

શિવસેનાના નેતાના પુત્રએ નશામાં બીએમડબલ્યૂ ભટકાડતા મહિલાનું મોત

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
શિવસેનાના નેતાના પુત્રએ નશામાં બીએમડબલ્યૂ ભટકાડતા મહિલાનું મોત 1 - image


- પુણેની જેમ મુંબઈમાં પરોઢે વગદાર નબીરા દ્વારા હીટ એન્ડ રન

- બીએમડબલ્યૂએ ટૂ વ્હીલરને ટક્કર મારતાં પતિ-પત્ની બંને બોનેટ પર પટકાયાં, કાર મહિલાને ૧૦૦ મીટર દૂર ઢસડી ગઈ 

- કારચાલક મિહિર ફરાર, પોલીસે પિતા અને શિંદે જૂથના પાલઘરના ઉપનેતા રાજેશ શાહની અટકાયત કરી

મુંબઈ: પુણેમાં પોર્શે કાર હિટ એન્ડ રન જેવી ઘટના આજે વહેલી સવારે મુંબઈના વરલી વિસ્તારના એટ્રીયા મોલ બહાર બની હતી જેમાં એક ઝડપી લકઝરી બીએમડબલ્યુ કારે સ્કૂટર પર જતા એક મચ્છીમાર દંપતીને ટક્કર મારી હતી. દંપતી ઉછળીને કારના બોનેટ પર પટકાયું હતું. તેમાંથી પતિ બોનેટ પરથી કૂદી પડવામાં સફળ રહ્યા હતા પરંતુ તેમની પત્નીને કાર ૧૦૦ મીટર દૂર સુધી ઢસડી ગઈ હતી અને રોડ પર પટકી દેતાં તેમનું મોત નીપજ્યું હતું. 

અકસ્માત વખતે સીએમ એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના પાલઘરના નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર શાહ કાર ચલાવતો હોવાનુ બહાર આવ્યુ ંહતું. મિહિર શાહ આ અકસ્માત બાદ તરત ફરાર થઈ ગયો હતો. પોલીસે રાજેશ શાહ તથા કારમાં હાજર ડ્રાઈવરની ધરપકડ કરી હતી. 

આ સમગ્ર ઘટના વિશે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે વરલી કોલીવાડામાં રહેતા મચ્છીમાર દંપતિ પ્રદિપ નાખવા અને તેની પત્ની કાવેરી નાખવા (ઉ.વ. ૪૫) સસૂન ડોકમાંથી માછલા ખરીદી  પરત આવી રહ્યાં હતાં. તેઓ ટુ- વ્હિલર પર વરલીના એટ્રીયા મોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ઝડપી બીએમડબલ્યુ કારે તેમના ટુ- વ્હિલરને પાછળથી ટક્કર મારી હતી. ટુ- વ્હિલરચાલક પ્રદિપ નાખવાએ સંતુલન ગુમાવતા સ્કૂટર પલ્ટી ખાઈ ગયું હતું અને દંપતિ કારના બોનેટ પર જઈને પડયા હતા.

પ્રદિપે સમય સૂચકતા વાપરી રસ્તાની સાઈડમાં છલાંગ લગાવી દેતા તેમનો બચાવ થયો હતો પણ તેમના પત્ની કાવેરી બીએમડબલ્યુના બોનેટ પર ૧૦૦ મીટર દૂર સુધી ઢસડાયા હતા. કાર હેઠળ આવી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ કાવેરીને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં દાખલ કરવા પહેલાં જ  તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

 પ્રદિપ નાખવાએ  મીડિયાને જણાવ્યું હતું કે અચાનક બીએમડબલ્યુ કારે પાછળથી તેમના સ્કૂટરને ટક્કર મારતા  સ્કૂટર નિયંત્રણ ગુમાવી પલ્ટી ગયું હતું. તેઓ કૂદીને રસ્તાની બાજુમાં પડયા હતા પણ તેમના પત્ની કાવેરી પહેલા બીએમડબલ્યુના બોનેટ પર પડયા હતા અને પૂરપાટ વેગે બીએમડબલ્યુ તેમને ૧૦૦ મીટર દૂર સુધી ધસડી ગઈ હતી. પ્રદિપે જણાવ્યું હતું કે તેમણે કારને ઉભી રાખવા માટે  બૂમો પાડી હતી પણ અકસ્માત બાદ કારચાલકે કારને ભગાડી મૂકી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાને લીધે કાવેરીનું મોત થયું હતું.

આ ઘટના બાદ વરલી પોલીસે બીએમડબલ્યુ કાર જપ્ત કરી હતી અને તેના માલિક રાજેશ શાહની અટકાયત કરી હતી. રાજેશ શાહ પાલઘરમાં શિંદે જૂથના ઉપનેતા હોવાનું જાણવા મળ્યું છે. કારમાં હાજર અન્ય વ્યક્તિની ડ્રાઈવર રાજરિષી રાજેન્દ્રસિંહ બિદાવત તરીકે ઓળખ થઈ હતી. પોલીસે તેની પણ અટકાયત કરી હતી. 

ચર્ચા અનુસાર  મિહિર જુહુના એક બારમાં દારુનો પુષ્કળ નશો કરી પરત ફરી રહ્યો હતો. તેણે પોતે જ કાર ચલાવવા આગ્રહ રાખ્યો હતો. દારુના નશાના કારણે તેનો કાર પર કાબુ ન રહેતાં અકસ્માત સર્જ્યો હતો. જોકે, ઘટના વખતે ખરેખર કાર કોણ ચલાવતું હતું તે  કન્ફર્મ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાં શરુ કર્યાં હતાં. 

આ બનાવે તરત જ રાજકીય રંગ ધારણ કર્યો હતો. સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે પોલીસ કાયદા અનુસાર કામ કરશે અને કોઈ વ્યક્તિ માટે પક્ષપાત નહિ આદરવામાં આવે. અકસ્માતની જાણ થતાં શિવસેના યુબીટીના નેતા તથા સ્થાનિક ધારાસભ્ય આદિત્ય ઠાકરે તરત   જ પોલીસ સ્ટેશને માહિતી મેળવવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈનેય રાજકીય ઓથ નહિ મળે તેવી આશા છે. 

હજુ બે મહિના પહેલાં જ ગઈ તા. ૧૯મી   મેના રોજ પુણેમાં એક સગીર તરુણે  દારુના નશામાં બેફામ પોર્શે કાર ચલાવી બાઈકને ટક્કર મારતાં આઈટી પ્રોફેશનલ યુવક અને યુવતીનાં મોત  નીપજ્યાં હતાં. 


Google NewsGoogle News