કાનની સર્જરી માટે દાખલ મહિલા કોન્સ્ટેબલને એનેસ્થિયા અપાયા બાદ મોત
અંધેરીની એક્સિસ હોસ્પિટલ દ્વારા બેદરકારીનો સ્વજનોનો આક્ષેપ
કાંદિવલીની રહીશ કોન્સ્ટેબલના મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમ કરાવાયુંઃ પોલીસે આકસ્મિક મોતનો બનાવ નોંધી તપાસ શરુ કરી
મુંબઇ : મુંબઇના પરાં અંધેરી લોખંડવાલાની એક્સિસ હોસ્પિટલમાં મુંબઇ પોલીસની મહિલા કોન્સ્ટેબલને કાનની શસ્ત્રક્રિયા માટે દાખલ કરવામાં આવી હતી. જો કે આ મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ તેની તબિયત બગડી હતી અને તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાનું મૃત્યુ એનેસ્થેસિયાના ઓવરડોઝથી જ થયું છે કે કેમ તે નક્કી કરવા પોસ્ટમોર્ટમ અહેવાલની રાહ જોવાઈ રહી છે.
કાંદિવલી ઈસ્ટની રહીશ કોન્સ્ટેબલ ગૌરી સુભાષ પાટીલ (૨૮)ને અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં આવેલી એક્સિસ હોસ્પિટલમાં કાનની શસ્ત્રક્રિયા માટે દાખલ કરવામાં આવી હતી. તેમને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા બાદ બેભાન કરવાના આશયથી એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
જો કે આ ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત વધુ લથડી હતી અને તેને લીધે તકલીફો સર્જાતાં તનં. મૃત્યુ થયું હતું. આ ઘટનાને લીધે તેના પરિવાર સહિત પોલીસ દળમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
ગૌરી પાટીલનું અચાનક મૃત્યુ થયા બાદ પોલીસે આ પ્રકરણે મૃત્યુનો નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે પાટીલના પરિવારજનો અને સહકર્મીઓ તરફથી એવો આરોપ કરવામાં આવી રહ્યો છે કે કાનના ઓપરેશન દરમિયાન ડોક્ટરે આપેલ એનેસ્થેસિયાના ઇન્જેક્શનને લીધે જ તેનું મૃત્યુ થયું હતું. ડોક્ટર દ્વારા એનેસ્થેસિયાનું ઇન્ડેક્શન આપવામાં ભૂલ થઇ હોવાથી ગૌરીનું મૃત્યુ થયું હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટના બાબતે હોસ્પિટલ પ્રશાસને બોલવાનું ટાળ્યું હતું. જો કે અંબોલી પોલીસે એડીઆર દાખલ કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. ગૌરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ગૌરી પાટીલ અંધેરીના મરોલ વિસ્તારમાં આવેલ લોકલ આર્મ્સ વિભાગમાં ડયુટી બજાવતી હતી.