મોદીની હત્યાનું કાવતરું ઘડાયું, શસ્ત્રો તૈયાર છે,એવો કોલ કરનારી મહિલા ઝડપાઈ
મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કર્યો હતો
સરકારી તંત્રથી નારાજ થઈ ફોન કરી દેનારી મહિલાની માનસિક હાલત યોગ્ય નહિ હોવાનો દાવોઃ કાંદિવલીથી પતો લાગ્યો
મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે અને શસ્ત્ર તૈયાર છે એવો મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ધમકીભર્યો ફોન કરનારી મહિલાને ઝડપી લેવામાં આવી હતી. તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એમ પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
મુંબઈના મુખ્ય પોલીસ કન્ટ્રોલ રૃમમાં એક મહિલાનો ફોન આવ્યો હતો. તેણે ધમકી આપી હતી કે 'મોદીને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. તેણે શસ્ત્રો તૈયાર છે એવો દાવો કર્યો હતો.'
આ ધમકી બાદ પોલીસ એલર્ટ બની ગઈ હતી. કોલ કરનાર મહિલાના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન અંધેરીમાં દર્શાવવામાં આવ્યું હતું. આથી અંબોલી પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવી હતી. કોલરને શોધવા માટે પોલીસની ટીમ એકશનમાં આવી હતી. પરંતુ કોલરનો ફોન સ્વીચ ઓફ હતો.
'અમે ટેકનિકલ તપાસને આધારે મહિલાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાનો મોબાઈલ ફોન ચાલુ કર્યો અને કાંદિવલી વિસ્તારમાંથી ઝડપાઈ ગઈ હતી. અમને જાણવા મળ્યું છે કે તેણે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમથી નારાજ હોવાથી આ કોલ કર્યો હતો. તે કોઈપણ જૂથ સાથે સંકળાયેલી નથી. અગાઉ તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મહિલાએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. તે અપરિણિત છે અને એકલી રહેતી હોવાનું કહેવાય છે. તેની નાની બહેન નજીકમાં રહે છે.
અગાઉ પણ તેણે નજીવી બાબતે મદદ મેળવવા માટે પોલીસ કન્ટ્રોલ રૃમને ફોન કર્યા હતા. તે માનસિક રીતે થોડી અસ્વસ્થ લાગતી હતી એમ પોલીસે કહ્યું હતું.
પોલીસે ધમકીભર્યો કોલ કરી અફવા ફેલાવવા બદલ મહિલા સામે કેસ નોંધ્યો છે. પોલીસે તેને નોટિસ આપી છે. મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે અગાઉ પણ મુંબઈ પોલીસને અનેક વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. પરંતુ મોટાભાગની ધમકી અફવા પુરવાર થઈ છે.