શાકમાં શિયાળાની અસર વર્તાઈ : કાંદા તથા લીલાં શાકભાજીના ભાવ ઘટયા
કાંદાનો નવો સ્ટોક આવતાં કિલોએ ૧૦થી ૧૫ રુપિયાનો ઘટાડો
ટમેટા અને લીલા વટાણાના ભાવ સ્થિર જ્યારે કાકડી, કારેલાં, ટીંડોળાના ભાવમાં વધારો
મુંબઈ - ગત કેટલાંક મહિનાથી કાંદાના ભાવ ઊંચા રહ્યા હતાં. જથ્થાબંધ માર્કેટમાં ૭૦ રુપિયાએ પહોંચી ગયેલાં કાંદાના ભાવ હવે થોડા નીચે આવી રહ્યાં છે. હૉલસેલ માર્કેટમાં પહેલાં જૂના કાંદા ૫૦ થી ૬૦ રુપિયા કિલોએ હતાં. પરંતુ હવે જૂના કાંદા થોડાં જ બચ્યાં છે અને નવા કાંદાનો જથ્થો આવ્યો હોવાથી નવા કાંદાના ભાવમાં ૧૦ થી ૧૫ રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ લીલા શાકભાજીની આવક વધતાં લીલી ભાજીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ કાકડી, કારેલાં જેવા શાકના ભાવ લગભગ બમણાં થઈ ગયાં છે.
નવી મુંબઈ એપીએમસીમાં નવા કાંદા ૨૦-૩૦ રુપિયા કિલોએ વેંચાઈ રહ્યાં છે. જે થોડાં દિવસ પહેલાં સુધી ૫૦-૫૫ રુપિયા કિલોએ મળી રહ્યા હતાં. એપીએમસી માર્કેટમાં કાંદાની ઉનાળુ અને ચોમાસું સીઝન હોય છે. નવેમ્બરમાં ચોમાસુ સીઝનના નવા કાંદા આવતા હોય છે. પરંતુ આ વર્ષે પાછોતરાં વરસાદને કારણે કાંદાના ઉત્પાદન પર પાણી ફરી વળ્યું હતું. આથી નવા કાંદાની આવક લંબાઈ અને જૂના કાંદાનો ભાવ વધ્યો હતો. જેથી કાંદાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો.
માર્કેટમાં ગુરુવારે ૬૩૨ વાહનમાં ૨૯૫૦ ટન લીલા શાકભાજીની આવક થઈ હતી. જેમાં ૬.૯૨ લાખ ઝૂડી પાંદડાવાળી ભાજીની હતી. ૨.૩૩ લાખ ઝૂડી પાલક, ૨.૧૨ લાખ ઝૂડી કોથમીરની આવક હૉલસેલ માર્કેટમાં થતાં એપીએમસીમાં કોથમીર, મેથીની એક ઝૂડી ૬થી ૮ રુપિયા તો પાલક ૫ાંચથી આઠ રુપિયે વેંચાઈ રહી છે. પાંદડાવાળી ભાજીઓના ભાવ ઘટયાં છે. કાકડીનો ભાવ કિલો દીઠ ૨૦ -૨૬ રુપિયાથી વધી ૪૬-૬૦ રુપિયા થઈ ગયો છે તો કારેલાં પ્રતિકિલો ૨૮ થી ૩૪ ને બદલે ૪૦ થી ૪૮ રુપિયે, ટીંડોળા ૨૦ થી ૩૪ના ભાવ કૂદાવી ૩૦ થી ૬૦ રુપિયા કિલોએ પહોંચી ગયાં છે. ટામેટાં અને વટાણાના ભાવ હાલ માર્કેટમાં સ્થિર જોવા મળ્યા હતાં.