હવે કોઈ ચૂંટણી નહીં લડું, શરદ પવારનો રાજકીય સન્યાસનો સંકેત
મારે ક્યાંક તો ક્યાંક અટકવું જ પડશે, બારામતીમાં સભામાં જાહેરાત
એનસીપીમાં અજિત પવારે ભાગલા પાડયા તે પહેલાં પણ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું પણ બાદમાં પાછું ખેંચી લીધું હતું
પૌત્ર યુગેન્દ્ર સામે અજિત પવારને હરાવવા ફરી ઈમોશનલ કાર્ડ રમ્યા હોવાની માન્યતા
મુંબઈ : મહારાષ્ટ્રના ધુરંધર રાજકારણી શરદ પવારે રાજકીય સન્યાસ લેવાનો સંકેત આપ્યો છે. બારામતીમાં પૌત્ર યુગેન્દ્ર પવાર માટે ચૂંટણી સભા સંબોધતાં તેમણે કહ્યું હતું કે મારે ક્યાંક ને ક્યાંક તો અટકવું જ પડશે. મારી રાજ્યસભાના સભ્ય તરીકેની દોઢ વર્ષની મુદ્દત બાકી છે. તે પછી હું કોઈ ચૂંટણી નહીં લડું.
મહારાષ્ટ્રના રાજકારણના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે ઓળખાતા શરદ પવારની વય હાલ ૮૩ વર્ષની છે. તેઓ છ દાયકા કરતાં વધારે સમયથી રાજકારણમાં સક્રિય છે. રાજ્યના મુખ્યપ્રધાન તથા કેન્દ્રીય પ્રધાન સહિતના હોદ્દા તેઓ ભોગવી ચૂક્યા છે. તેમનાં પુત્રી સુપ્રિયા સૂળે હાલ બારામતીથી સંસદસભ્ય છે.
બારામતી બેઠકમાં શરદ પવારના ભત્રીજા અજિત પવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે શરદ પવારે યુગેન્દ્ર પવારને ટિકિટ આપી છે. લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા બેઠક પરથી સુપ્રિયા સૂળે અને અજિત પવારનાં પત્ની એમ નણંદ ભાભીની લડાઈ હતી જ્યારે આ વખતે વિધાનસભા બેઠકમાં કાકા ભત્રીજા સામસામે છે. શરદ પવારનાં નિવેદનનું એક એવું પણ અર્થઘટન થઈ રહ્યું છે કે તેઓ બારામતીથી અજિતને હરાવવા માટે ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે.
પવારે કહ્યું હતું કે પોતે રાજ્યસભાની બાકી મુદ્દત પૂર્ણ થયા પછી કોઈ ચૂંટણી લડવાના નથી. પરંતુ, યુવાઓને માર્ગદર્શન આપવા સાથે સામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખશે.
તેમણે કહ્યું હતું કે હાલ હું સત્તા પર નથઈ. હું માત્ર રાજ્યસભાનો સભ્ય છું. મારી રાજ્યસભામાં હજુ દોઢ વર્ષની મુદ્દત બાકી છે. પરંતુ, તે પછી મારે વિચારવું પડશે કે ફરી મારે રાજ્યસભામાં જવું કે નહીં. હું હવે લોકસભા લડવાનો નથી. વાસ્તવમાં હવે હું કોઈ પણ ચૂંટણી લડવાનો નથી.
તેમણે કહ્યુ ંહતું કે હું અત્યાર સુધીમાં ૧૪ ચૂંટણીઓ લડયો છું. મતદારોએ મને ક્યારેય પરાજિત થવા દીધો નથી. દર વખતે તમે મને જીતાડી લાવો છો. પરંતુ, મારે ક્યાંક તો અટકવું જ પડશે.
તેમણે કહ્યું હતું કે મારે નવી પેઢીને આગળ લાવવી પડશે. હું આ હેતુ સાથે કામ કરી રહ્યો છું. હું જોકે સામાજિક પ્રવૃત્તિ છોડી દેવાનો નથી. પરંતુ, હવે મને સત્તાની કોઈ ખેવના નથી. હું લોકોની સેવા કરવાનું અને લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશ.
પવાર સૌ પહેલાં ૧૯૬૭માં બારામતી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર પછી તેઓ તમામ ચૂંટણીમાં અપરાજિત જ રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે મેં બારામતીના વિધાનસભ્ય તરીકે ૩૦ વર્ષ જવાબદારી સંભાળી હતી. તે પછી ત્રણ દાયકાથી અજિત પવારને આ જવાબદારી સોંપી હતી. આ ચક્ર ચાલતું રહેવું જોઈએ. આપણે હવે આગામી ૩૦ વર્ષ માટે નવા યુવાનોને તક આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે અજિત પવારે એનસીમાં બળવો કર્યો તેના થોડા મહિના પહેલાં જ શરદ પવારે ત્યારની અવિભાજિત એનસીપીના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. જોકે, પક્ષના અન્ય નેતાઓના આગ્રહને કારણે તેમણે રાજીનામું પાછું ખેંચ્યું હતું. તે સમયે ફક્ત અજિત પવાર જ એકમાત્ર એવા નેતા હતા જેમણે કહ્યું હતું કે હવે શરદ પવાર નિવૃત્તિ લઈ લે તો તેમાં કશું ખોટું નથી.
ગત લોકસભા ચૂંટણીમાં શરદ પવારની એનસીપીએ બહેતર પ્રદર્શન કર્યું હતું. આ વખતે પણ તેઓ મહાવિકાસ આઘાડીમાં સમન્વયની ભૂમિકા ભજવી રહ્યા છે.